Get The App

દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા 1 - image

ગાંધીનગરમાં ફરી ઝુંપડપટ્ટી ઉભી ન થાય તે માટે પણ ખાસ પગલાં લેવાશે

પાટનગર યોજના વિભાગની ૨૦ ટીમો બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકી ઃ જુના સેક્ટરોમાં આજે ઝુંબેશ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરોમાં છેલ્લા લાંબા સમયથી ફૂટી નીકળેલા ગેરકાયદેસર ઝૂંપડાના દબાણો સામે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાટનગર યોજના વિભાગની ટીમોએ આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુના અને નવા સેક્ટરો એમ બંને વિસ્તારોમાં ત્રાટકીને મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

શહેરની સુંદરતા અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા દબાણો દૂર કરવા માટે પાટનગર યોજના વિભાગે આ વખતે પૂરતી તૈયારી કરી છે વિભાગના અલગ-અલગ ડિવિઝનની કુલ ૨૦ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ ટીમો આજે ૨૦ જેટલા જેસીબી મશીનો અને ટ્રેક્ટરો સાથે વિવિધ સેક્ટરોમાં ત્રાટકી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.આજના મેગા ઓપરેશન દરમિયાન શહેરના મુખ્ય સેક્ટરોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો.સેક્ટર ૩, ૪ અને સે-૫મા અંદાજે ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો અને ઝૂંપડાં દૂર કરવામાં આવ્યા હતા.

જ્યારે સેક્ટર ૬માં કડિયાનાકાના કારણે ઝુંપડા વધી રહ્યા છે ત્યારે અહીં સૌથી વધુ આક્રમક કામગીરી જોવા મળી હતી, જ્યાં ૧૨૫ જેટલા દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું.સેક્ટર ૮, ૧૦, ૨૫, ૨૬ અને ૨૭ સહિત સચિવાલયની આસપાસના અને રહેણાંક વિસ્તારોમાંથી કુલ ૫૦ જેટલા ઝૂંપડાં હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા શ્રમિકો અને દબાણકર્તાઓને કડક સૂચના આપવામાં આવી છે કે, જો ફરીથી આ જગ્યાએ દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઝુંબેશ માત્ર એક દિવસીય નથી. પાટનગર યોજના વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે કામગીરી ચાલુ રહેશે. આવતીકાલે સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને સેક્ટર-૨૯ માં ઝૂંપડાં અને ગેરકાયદે બાંધકામો હટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.