Gujarat

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત

By GS TEAM
6 Oct 20252 mins read
૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત

વડોદરા,કેવડિયા કોલોનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો યુવક ટોયલેટમાં ફ્રેશ થવા ગયા ત્યાં જ તેઓ ઢળી પડયા હતા. લોકોએ દરવાજો તોડીને તેઓને બહાર કાઢ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેઓનું મોત થયું હોવાનું અનુમાન છે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, એમ્બ્યુલન્સ ૨૫ મિનિટ મોડી આવી હતી. 

વાઘોડિયા રોડ રાજીવગાંધી સ્વિમિંગ પૂલની પાછળ સુશીલા  પાર્ક સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષના વિકાસ ગોપાલદાસ ખોડા કેવડિયા કોલોનીમાં એન્જિનિયર છે. તેમના પત્ની પણ એન્જિનિયર છે. પતિ - પત્ની એકલા જ રહેતા હતા. વિકાસ ખોડા  આજે સવારે ટોયલેટમાં ફ્રેશ થવા ગયા હતા. થોડા સમય સુધી તેમણે દરવાજો  નહી ંખોલતા    પત્નીએ દરવાજો ખખડાવ્યો હતો. તેમછતાંય તેમણે કોઇ રિપ્લાય નહીં આપતા દરવાજો તોડીને જોતા તેમના પતિ ઢળી પડેલી હાલતમાં હતા. ઘરમાં કામ કરતી મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.વિકાસ ખોડાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ, એમ્બ્યુલન્સ મોડી આવતા સ્થાનિક રહીશ જાતે એમ્બ્યુલન્સ શોધવા નીકળ્યા હતા. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે જ એક એમ્બ્યુલન્સ ઉભી હતી. તેના ચાલકને રિક્વેસ્ટ કરવા છતાંય તેમણે આવવાની ના પાડી દીધી હતી. રિક્ષાવાળાઓએ પણ હોસ્પિટલ જવાની ના  પાડી દીધી હતી. અંદાજે ૨૫ મિનિટ પછી એમ્બ્યુલન્સ આવતા  વિકાસને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મોતનું કારણ જાણવા માટે પાણીગેટ પોલીસે પી.એમ. કરાવ્યું છે.