Gujarat

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા

By GS TEAM
17 Sep 20252 mins read
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા

- કેદારનાથથી દર્શન કરી પરત ફરતા ઘટના બની

- વરસાદ અને કાટમાળથી રસ્તો ખૂલ્લો કરવો મુશ્કેલ બન્યો : આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ યાત્રીઓ પરત આવવા રવાના

કપડવંજ : ઉત્તરાખંડના બદ્રી- કેદારનાથ વચ્ચે જોશીમઠ પાસે ભૂસ્ખલન થવાથી કપડવંજ શહેરના ૩૨ જેટલા યાત્રાળુંઓના ગુ્રપ સહિત ૫૦થી વધુ વાહનો ફસાયા હતા. આખી રાત ઘટના સ્થળે કાઢ્યા બાદ વહીવટી તંત્રની મદદથી ૧૨ કલાકે હેમખેમ પરત આવવા રવાના થયા હતા. 

ખેડા જિલ્લાના કપડવંજ શહેરના અંદાજે ૩૨ યાત્રીઓનું ગુ્રપ તા. ૮મી સપ્ટેમ્બરે ટ્રેન મારફતે યાત્રા માટે ઉત્તરાખંડ જવા રવાના થયા હતા. ૩ દિવસ અગાઉ તા. ૧૨મીએ તેઓ યાત્રા સ્થળે પહોંચ્યા હતા. કપડવંજનું ૩૨ યાત્રાળુંઓનું ગુ્રપ કેદારનાથથી દર્શન કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે રાતે અંદાજે ૯ઃ૩૦ વાગ્યે કેદારનાથથી બદ્રીનાથ વચ્ચે જોશીમઠ પાસે ૪૦ કિ.મી. દૂર ભૂસ્ખલન થયું હતું. 

ભૂસ્ખલન થવાના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ જતા કપડવંજના ૩૨ યાત્રાળુઓના ગુ્રપ સહિત ૫૦ જેટલા વાહનો રસ્તામાં અટવાઈ ગયા હતા. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અજાણ્યા પ્રદેશમાં રાતના સમયે ઘટના બનતા યાત્રાળુઓના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જેસીબી મશીન થી રસ્તો ખોલવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સતત વરસાદ અને કાટમાળના મોટા જથ્થાના કારણે કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી હતી. ફસાયેલા યાત્રિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. અંદાજે સવારે ૯.૩૦ કલાકે રસ્તો ખૂલ્લો થઈ જતા યાત્રાળુઓના જથ્થા સહિત વાહનોને એક પછી એક રવાના કરાયા હતા. રસ્તા પર ૧૨ કલાક ગુજાર્યા બાદ કપડવંજના ૩૨ યાત્રિકો હેમખેમ પરત આવવા નીકળી ગયા હતા.