ગેરકાયદેસર ઉભા કરી દેવાયેલા વધુ ૩૨ ટ્રાફિક બુથ હટાવી દેવાયાં
કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિસ્તારમાં
એજન્સીએ કોઈપણ મંજૂરી વગર જ બુથ ઊભા કરીને જાહેરાતનું માધ્યમ બનાવી દેતા કોર્પોરેશનની કાર્યવાહી
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આઉટડોર પબ્લિસિટી પોલીસી લાગુ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગરમાં ટ્રાફિક બુથના ઓથાર હેઠળ એજન્સીએ ૫૦ જેટલા બુથ ઉભા કરીને જાહેરાતનું માધ્યમ બનાવી દેતા તેને હટાવી દેવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે વધુ ૩૨ ટ્રાફિક બુથ દક્ષિણ ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં હાલ કોઈપણ પ્રકારની જાહેરાત કરવી
હોય તો કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવી પડે છે ત્યારે ગાંધીનગરમાં છેલ્લા ઘણા
સમયથી અલગ અલગ પોઇન્ટ ઉપર ટ્રાફિક બુથ ઉભા કરીને તેના ઓથાર એજન્સી દ્વારા જાહેરાતો
લેવામાં આવતી હતી. જે બાબત ગાંધીનગર મહાનગરપાલિકાના ધ્યાને આવતા આ મામલે કાર્યવાહી
કરવામાં આવી હતી. આ એજન્સી દ્વારા ગાંધીનગરના સર્કલો તેમજ અન્ય વિસ્તારોમાં
ટ્રાફિક બુથ ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યાં એડવર્ટાઈઝમેન્ટ સ્વીકારવામાં આવતી
હતી અને તેના મોટા બેનર પણ લગાવવામાં આવતા હતા. જેના પગલે અલગ અલગ વિસ્તારમાં
કોર્પોરેશનની ટીમો દ્વારા આ બુથ હટાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. ગઈકાલે
રાત્રે દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા અલગ-અલગ સર્કલો અને ચાર રસ્તા ઉપરથી ૩૨
જેટલા ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા ટ્રાફિક બુથ હટાવવામાં આવ્યા હતા. આગામી
દિવસમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. આ પ્રકારની એજન્સીઓ દ્વારા કોઈપણ
પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી અને સર્કલે ઉપર બુથ ગોઠવી દઈને તેને જાહેરાતનું
માધ્યમ બનાવી દેવામાં આવતું હોય છે.