વડોદરાના રક્ષિતકાંડમાં 90 દિવસ પહેલાં 3124 પાનાની ચાર્જશીટ રજૂ,111 સાક્ષીઃ12 ના કોર્ટ સમક્ષ નિવેદન
વડોદરાઃ કારેલીબાગમાં હિટ એન્ડ રનના બનેલા ગોઝારા બનાવમાં કારેલીબાગ પોલીસે ગાંજાના નશામાં બેફામ કાર હાંકી આઠ જણાને અડફેટમાં લેનાર રક્ષિત ચૌરસિયા અને તેના સાગરીતો સામે ૩૧૨૪ પાનનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે.
આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગઇ તા.૧૩મી માર્ચે હોળીની રાતે બનેલા ગોઝારા બનાવમાં નશામાં ધૂત રક્ષિત ચૌરસિયાએ એક પછી એક ત્રણ ટુવ્હીલરોને ઉડાવ્યા હતા. જેથી આઠ જણાને ઇજાઓ પહોંચી હતી અને તેમાંથી હેમાલીબેનનું મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ બાદ ભાગવાનો પ્રયાસ કરનાર રક્ષિત ચૌરસિયા(વારાણસી,યુપી)ને લોકોએ મેથીપાક ચખાડયો હતો.જેથી મારથી બચવા તેણે અનધર રાઉન્ડ..ની બૂમો પાડી હતી અને નિકિતા નામની યુવતીના નામની પણ બૂમો પાડી હતી.આ કેસમાં પોલીસેે રક્ષિત ચૌરસિયા તેમજ તેની સાથે બેઠેલા કાર માલિકના પુત્ર પ્રાંશુ ચૌહાણ અને જેને ત્યાં બંનેએ ગાંજો પીધો હતો તે સુરેશ ભરવાડની ધરપકડ કરી હતી.
સમગ્ર કેસની તપાસમાં ડીસીપી પન્ના મોમાયાએ સુપરવિઝન કર્યું હતું અને આખરે આજે બનાવના ૯૦ દિવસ પહેલાં કારેલીબાગના પીઆઇ એચ એમ વ્યાસે ૩૧૨૪ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરી હતી.જેમાં ૧૧૧ સાક્ષીઓના નિવેદન સામેલ છે.આ ઉપરાંત ૧૨ સાક્ષી એવા છે જેમના કોર્ટ સમક્ષ નિવેદન લેવાયા છે.જ્યારે,વોક્સ વેગન કારની કંપનીનો રિપોર્ટ,ફોરેન્સિકના રિપોર્ટ,સીસીટીવી ફૂટેજ સહિતના થોકબંધ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
વાસણા રોડ પર પણ રક્ષિત વાળી થઇ હતી,સાડા ત્રણ મહિના
પહેલાં રક્ષિતે આવી જ રીતે પ્રાંશુને બેસાડી એક્સિડન્ટ કર્યો હતો
હોળીની રાતે બેફામ કાર હાંકી આઠ જણાને અડફેટમાં લેનાર રક્ષિત ચૌરસિયાએ સાડા ત્રણ મહિના પહેલાં પણ આવી જ રીતે વાસણા રોડ પર એક્સિડન્ટ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ,તા.૨૬મી નવેમ્બરે બનેલા બનાવમાં રક્ષિત ચૌરસિયા અને પ્રાંશુ ચૌહાણ આ જ વોક્સવેગન કાર લઇને નીકળ્યા હતા.તે વખતે પણ રક્ષિત જ કાર ચલાવતો હતો.
વાસણારોડ વિસ્તારમાં ફુલસ્પીડે કાર ચલાવતી વખતે રક્ષિતે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવતાં કાર બેફામ બની ડિવાઇડર પર ચડી ગઇ હતી.સારાનશીબે કોઇ જાનહાનિ થઇ નહતી.પરંતુ કારને રૃ.૧.૨૫લાખ જેટલું નુકસાન થયું હતું અને ઇન્સ્યોરન્સ કંપનીએ વળતર પણ ચૂકવ્યું હતું.જેથી ઇન્સ્યોરન્સ કંપની માટે પણ આ ક્લેમ તપાસનો વિષય બન્યો છે.