Gujarat

શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું

By GS TEAM
13 Jul 20252 mins read
શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું

- 1965 થી ભાવનગરને પીવાનું પાણી પુરૂં પાડે છે શેત્રુંજી ડેમ, દર માસે 1.73 કરોડ પાણીનું બીલ

- બાકી નાણાંની ઉઘરાણી માટે ઈરિગેશન વિભાગ કાગળિયા લખી લખી થાક્યું, વન ટાઈમ સેટલમેન્ટ યોજનાથી પૈસા વસૂલવા પ્રયાસ

પાલિતાણા : સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાંથી દરરોજ ૧૦ કરોડ લિટર પીવાનું પાણી લેતા ભાવનગર મહાનગરપાલિકા ઉપર પાણીના બિલના ૩૦૫ કરોડ રૂપિયા વ્યાજનું વ્યાજ ચડી ગયું છે. તેમ છતાં કોર્પોરેશનને પાણી બિલના રૂપિયા ચૂકવવામાં આળસ ખંખેરવી નથી.

શેત્રુંજી ડેમનું નિર્માણ ૧૯૫૯માં થયાને છ વર્ષ બાદ ૧૯૬૫થી ભાવનગરને જરૂરિયાત મુજબ પીવાનું પાણી શેત્રુંજી ડેમમાંથી મળે છે. આજની સ્થિતિએ શેત્રુંજીમાંથી ભાવનગર દરરોજ ૧૦૦ એમએલડી એટલે કે ૧૦ કરોડ લિટર પાણી આપવામાં આવી છે. પ્રતિ લિટર ૦.૫૦પૈસાના ભાવે મળતા પાણીનું માસિક સરેરાશ બિલ રૂા.૧.૭૩ કરોડ થાય છે. અગાઉના વર્ષોમાં કડકી કોર્પોરેશનને માત્ર પાણી લેવામાં રસ દાખવ્યો હતો અને બિલ ભરવામાં આળસ કરતા પેનલ્ટી અને વ્યાજની રકમ વધીને અધધ.. ૩૦૫ કરોડે પહોંચી છે. આ બાકી રકમની ઉઘરાણી માટે ભાવનગર ઈરિગેશન વિભાગ દ્વારા સમયાંતરે મહાપાલિકાને પત્ર વ્યવહાર કરાયો છે. પરંતુ વિભાગ કાગળિયા લખી લખીને થાંક્યું તેમ છતાં મનપા નાણાં ભરપાઈ કરતું નથી. સિંચાઈ વિભાગ દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ યોજના થકી પણ નાણાં વસૂલાતની કામગીરી થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ૩૦૦ કરોડથી વધુના બાકીના નાણાંની ઉઘરાણી મામલે સિંચાઈ વિભાગ કઠોર કાર્યવાહી કરી પાણી આપતું બંધ થાય તો ભાવનગર તરસ્યું તરફડિયા મારે તેવી સ્થિતિ ઉભી થઈ શકે. જો કે, હાલ ભાવનગર શહેરને બોરતળાવમાંથી કાયમી ૨૦ એમએલડી અને હાલમાં જરૂરિયાત મુજબ ૨૦થી ૪૦ એમએલડી સુધી પાણી ઉપાડવામાં આવે છે. જો કે, મુખ્ય આધાર તો શેત્રુંજી ઉપર જ છે.

ગારિયાધાર જૂથ યોજના પાસે પણ અર્ધો કરોડ જેટલી રકમ બાકી

શેત્રુંજી ડેમમાંથી મુખ્યત્વે ભાવનગર બાદ ગારિયાધારને પણ ૦.૫૦ પૈસાના ભાવથી પાણી વેચવામાં આવે છે. ભાવનગર જેમ ગારિયાધારની માથે પણ પાણીના બિલનું લેણું ચડી ગયું છે. ગારિયાધાર જૂથ યોજનાનું ૪૮.૫૨ લાખ જેટલું બિલ બાકી બોલે છે. તેમાં પણ ૮.૮૮ કરોડ રૂપિયા તો વ્યાજનું જ વ્યાજ ચડી ગયું છે.