વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ
નવા વર્ષ અને ભાઇબીજના દિવસે માર્ગ અકસ્માતના ૧૩૪ કોલ આવ્યા

વડોદરા,નવા વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સર્વિસને સમગ્ર રાજ્યમાંથી ૫,૮૭૪ કોલ આવ્યા હતા. જે પૈકી વડોદરામાં ૩૦૧ કોલ આવ્યા હતા. જે સામાન્ય દિવસોમાં આવતા કોલ કરતા ૨૦ ટકા વધારે છે.
વડોદરામાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૨૪૯ કોલ ઇમરજન્સીના આવતા હોય છે. જેમાં નવા વર્ષે વધારો નોંધાયો છે. સૌથી વધુ ઇમરજન્સીના ૮૮૩ કોલ અમદાવાદમાંથી આવ્યા હતા. જ્યારે સૌથી ઓછા કોલ બોટાદ જિલ્લાના હતા. વડોદરામાં રોડ અકસ્માતના ૯૩ અને શારીરિક હુમલાના ૧૫ કોલ આવ્યા હતા. વડોદરામાં આગથી દાઝી જવાનો એક કોલ તાત્કાલિક સારવાર માટે આવ્યો હતો. ભાઇબીજના દિવસે ઇમરજન્સી સારવાર માટે કુલ ૫,૬૯૨ કોલ આવ્યા હતા. જે પૈકી વડોદરામાંથી ૨૬૭ કોલ આવ્યા હતા. માર્ગ અકસ્માતના ૪૧, હુમલાના ૫ કેસમાં તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી કોલ આવ્યા હતા.

