બોરસદના રાસ સહિત 15 ગામના 3000 વીઘા ખેતરો બેટમાં ફેરવાયા
- 5 વર્ષથી જળબંબાકારની સ્થિતિ છતાં તંત્ર મુકપ્રેક્ષક
- ખેતરોમાં એક ફૂટથી વધુ પાણીના ભરાવાથી ડાંગરના ધરુંવાડિયા કોહવાઈ જવાથી ખેડૂતોને ચિંતા
બોરસદ તાલુકાના રાસ ગામથી અમિયાદની ચારી સુધીના વિસ્તારને ડાંગરનો વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં ૩૦૦૦થી વધુ વીઘા જમીનમાં દર વર્ષે ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે પરંતુ, ચાલુ વર્ષે છેલ્લા એક મહિનાથી સતત પડી રહેલા વરસાદને કારણે તમામ વિસ્તારમાં એક ફૂટથી વધુ પાણી ભરાઈ જતા આખો વિસ્તાર દરિયાના બેટ સમાન જોવા મળી રહ્યો છે.
આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઝારોલા, બોરસદ, કંસારી, રાસ અને વાસણા થઈને કલમસરની ખાડીમાં જતા કાંસનું પુરાણ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં કાંસની સફાઈ કરવામાં આવી ન હોવાથી આખરે ખેડૂતોને માથે માઠી દશા બેઠી છે.
ગત વર્ષે પણ ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં એક ફૂટથી વધુ પાણી ભરાતા જિલ્લા કલેકટર સહિત આખું વહીવટી તંત્ર રાસ ગામે દોડી આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આવતા વર્ષે આવી મુશ્કેલીઓ નહીં થાય તેવા વચનો પણ આપ્યા હતા. છતાં આ વર્ષે ફરી એ જ સ્થિતિ સર્જાતા હવે ખેડૂતોને વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ રહ્યો નથી.
રાસ ગામથી કલમસર થઈને ખંભાતના દરિયામાં જતો કાંસ મોટાભાગે રોડ ઉપરના દબાણોને કારણે પુરાઈ જવા પામ્યો છે જેથી હાલ આ સ્થિતિ સર્જાઈ છે.
અંદાજિત ઉત્પાદન પ્રમાણે એક કરોડથી વધુ રૂપિયાની ડાંગરનું ઉત્પાદન આ વર્ષે આ વિસ્તારમાંથી ઓછું થાય તેવી સંભાવનાઓ હોવાથી નુકસાન આખરે ખેડૂતને સહન કરવું પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.