300થી વધુ સ્થાનિકોએ સુરત મનપાની ટીમનો ઘેરાવ કર્યો, કતારગામ ઝોનમાં સોસાયટી બહાર વિરોધના બોર્ડ લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતના કતારગામ ઝોનમાં ગોપીનાથ સોસાયટીની વાડી સહિત ઈશ્વર નગર સોસાયટી અને શ્રીજી નગરનાં સી.ઓ.પી. પર મહાનગર પાલિકા દ્વારા રિઝર્વેશનની ઘટનાને પગલે ભારે વિરોધનો જુવાળ ઉભો થયો છે. ત્રણેય સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા મહાનગર પાલિકાએ મનસ્વી રીતે રિઝર્વેશન મુકવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં આજે શ્રીજી નગર સોસાયટીમાં પ્લોટનો કબ્જો લેવા માટે પહોંચેલી મનપાની ટીમનો 300થી વધુ નાગરિકો દ્વારા ઘેરાવ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે પાલિકા ની ટીમ નાછટૂકે કબ્જો લીધા વિના પરત ફરી હતી અને હવે આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે કબ્જો લેવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
કતારગામમાં 2021માં ટાઉન પ્લાનિંગ સ્કીમનાં અમલીકરણ દરમિયાન ત્રણ અલગ-અલગ સોસાયટીઓમાં વાડી અને સીઓપી પર રિઝર્વેશન મુકવામાં આવ્યું હતું. આ ઘટનાનો જે તે સમયથી જ સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે ગોપીનાથ અને ઈશ્વરનગર સોસાયટી બાદ આજે શ્રીજી નગર સોસાયટીમાં પ્લોટનો કબ્જો લેવા પહોંચેલી પાલિકાની ટીમને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સીઓપીનો કબ્જો લેવા પહોંચેલી પાલિકાની ટીમના આગમનની જાણ સોસાયટીનાં રહેવાસીઓને થતાં જોત જોતામાં જ 300થી વધુ નાગરિકોએ મેઈન ગેટ પર ઘેરાવ કરી લીધો હતો અને મનપાની ટીમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવી હતી. આ સ્થિતિને પગલે પાલિકાની ટીમ વધુ એક વખત પ્લોટનો કબ્જો લીધા વિના પરત ફરી હતી.
કતારગામની ઈશ્વરનગર સોસાયટીમાં મનપા વિરૂદ્ધ ઉકળતો ચરૂ : કોમન પ્લોટનો કબ્જો લેનાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ચીમકી
સુરત શહેરના કતારગામ ઝોન વિસ્તારમાં ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં રહેણાંક સોસાયટીઓનાં સીઓપી અને વાડી પર મહાનગર પાલિકા દ્વારા રિઝર્વેશન મુકવામાં આવતાં સ્થાનિકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગત રોજ ગોપીનાથ સોસાયટીની વાડી અને ઈશ્વર નગરનાં કોમન પ્લોટ પર મુકવામાં આવેલ રિઝર્વેશનનો કબ્જો લેવા માટે પહોંચેલી પાલિકાની ટીમનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરી લેતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. બંને સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની સાથે મનપા દ્વારા ખોટી રીતે રિઝર્વેશન મુકવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. અલબત્ત, આજે સવારે ઈશ્વર નગર સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા સોસાયટીનાં મેઈન ગેટ બહાર જ બેનર મારીને કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબ્જો કરવાના પ્રયાસ કરનારા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કતારગામ ઝોનમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 49માં એફ.પી. નંબર 301થી નોંધાયેલ ઈશ્વર નગર સોસાયટીનાં કોમન ઓપન પ્લોટ પર સુરત મહાનગર પાલિકા દ્વારા રિઝર્વેશન મુકવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ રિઝર્વેશનનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જો કે, ગઈકાલે પાલિકાની ટીમ સોસાયટીનાં સીઓપીનો કબ્જો લેવા માટે પહોંચતાં સ્થાનિકોએ પાલિકાની ની ટીમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કર્યો હતો. ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં 20 વર્ષ પછી ફાઈનલ ટીપીમાં સોસાયટીનાં સીઓપીમાં રિઝર્વેશન મુકવામાં આવ્યું હોવાનો બળાપો સ્થાનિકો દ્વારા ઠાલવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, પાલિકાની ચુંટણીને પગલે એક તબક્કે રિઝર્વેશન હટાવી લેવામાં આવ્યું હતું અને ચુંટણી સમ્પન્ન થયા બાદ પુનઃ રિઝર્વેશન મુકી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના વચ્ચે ગઈકાલે પ્લોટનો કબ્જો લેવા પહોંચેલી મનપાની ટીમ વિલા મોંઢે પરત ફરી હતી. ત્યારે આજે સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા મેઈન ગેટની બહાર જ બેનર લગાવીને પ્લોટનો ગેરકાયદેસર કબ્જો લેનાર વ્યક્તિ - સંસ્થા વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિત પોલીસ ફરિયાદ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેને પગલે આગામી દિવસોમાં આ ગજગ્રાહ વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.








