પોરબંદર પાસે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત
- એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન
- ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટ દ્વારા તામિલનાડુની સાદિક નામની બોટમાં સપ્લાય કરવાનો હતો : પીછો કરતા પાકિસ્તાનીઓ ડ્રગ્સ દરિયામાં ફેંકી ફરાર
અમદાવાદ,પોરબંદર : ગુજરાતના અરબ સાગર પાકિસ્તાનથી શ્રીલંકા અને દક્ષિણ ભારતના રાજ્યોમા ડ્રગ્સ સપ્લાયનો મુખ્ય રસ્તો છે.આ માર્ગથી ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ત્યારે સોમવારે વહેલી સવારે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પોરંબદરથી આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ૪૦૦ કિલો જેટલું ડ્ગ્સ લઇને જતી એક પાકિસ્તાની બોટનો પીછો કરતા પાકિસ્તાની બોટમાં રહેલા વ્યક્તિઓ દરિયામાં આશરે ૩૦૦ કિલો જેટલુ ડ્રગ્સ ફેંકી દીધું હતું અને બોટમાં પાકિસ્તાન તરફ ફરાર થઇ ગયા હતા.દરિયામાંથી જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૧૮૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે.
આ સમગ્ર બાબતની વિગતો એવી છે કે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનમાં ફીદા નામનો એક ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના પસની બંદરથી એક ફીસીંગ બોટમાં આશરે ૪૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો મોકલવાનો છે. જે શનિવારે રાતના આઠ વાગ્યાથી રવિવારે વહેલી પરોઢે ચાર વાગ્યા દરમિયાન પોરબંદરની ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (આઇએમબીએલ) પર આવવાની છે. ત્યાંથી ચેનલ નંબર ૪૮થી પોતાની કોલ સાઇન રમીઝ નામની તામિલનાડુ તરફથી આવતી સાદિક નામની બોટનો સંપર્ક કરીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના છે.
આ મહત્વની બાતમી મળતા ગુજરાત એટીએસના આઇજી સુનિલ જોષીએ તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓને જાણ કરીને એટીએસના સિનિયર પોલીસ અધિકારીઓની ટીમને પોરબંદર મોકલીને કોસ્ટ ગાર્ડની શીપમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક વોચ રાખી હતી. જેમાં પાકિસ્તાની ફીસીંગ બોટ દેખાતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમાં રહેલા લોકોએ બોટની સ્પીડ વધે તે માટે લોડ ઓછો કરવા તેમની પાસે રહેલો ડ્રગ્સ ભરેલા બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા. ત્યારબાદ તે બોટમાં રહેલા લોકો દરિયાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન તરફ નાસી ગયા હતા.
બાદમાં દરિયામાં ફેંકી દેવાયેલા ડ્રમ્સ એકઠા કરીને તેમાંથી આશરે ૩૦૦ કિલો જેટલુ ડ્ગ્સ જપ્ત કરાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧૮૦૦ કરોડ જેટલી છે. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આઠ વર્ષમાં એટીએસ દ્વારા 10277 કરોડનું ડ્ગ્સ જપ્ત કરાયું
પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રગ્સનો સપ્લાય કરવા માટે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે સૌથી મહત્વનો રૂટ છે. વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા ૨૦ જેટલા કેસ નોંધીને કુલ ૫૪૫૪ કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂપિયા ૧૦૨૭૭ કરોડ જેટલી થાય છે. જેમાં કુલ ૧૬૩ આરોપીઓની ધરપકડ થઇ છે. જેમાં સૌથી વધારે ૭૭ પાકિસ્તાની, ૩૪ ઇરાની, ૪ અફઘાની, બે નાઇઝીરીયન અને ૪૬ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
ડ્ગ્સનું પેમેન્ટ એડવાન્સમાં થતું હોવાથી ડ્રગ્સ સપ્લાયર્સને નુકસાન થતું નથી
પાકિસ્તાનનું પસની બંદરથી ફીશીંગ બોટમાં ડ્ગ્સ સપ્લાય કરવામાં આવે ત્યારે પાકિસ્તાનીઓને સુચના આપવામાં આવે છે કે જો ભારતીય એજન્સીઓ પકડવા પીછો કરે તો પહેલા ડ્રગ્સને દરિયામાં ફેંકી દેવું અને બોટમા ંવજન ઓછો કરીને આંતરરાષ્ટ્રીય જળસીમાને ક્રોસ કરવી. આમ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ફેંકી દીધા બાદ પણ ડ્રગ્સ માફિયાઓને નુકશાન થતુ નથી. કારણ કે તે ડ્રગ્સ મંગાવનાર પાસેથી એડવાન્સમાં તમામ પેમેન્ટ લઇ લે છે.ડ્રગ્સ માફિયાઓ માટે તેમના ફીશીંગ બોટમાં કામ કરતા માણસો મહત્વના હોય છે. જેથી ધરપકડ ન થાય તે ખાસ જોવામાં આવે છે.