ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, એક વર્ષમાં 30 લાખ વિદેશી બોટલ, 2 લાખ લીટર દેશી દારૂ પકડાયો
Liquor Seized In Gujarat: ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ચમરબંધીઓને ન છોડવાની સુફિયાણી વાતો કરે છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે અને બુટલેગરો બેફામ બન્યા છે. ગુજરાત વિધાનસભામાં સરકારે જ આપેલી માહિતી મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિતના રાજ્યના 8 જિલ્લામાંથી જ માત્ર એક વર્ષમાં જ 2 લાખથી વધુ લીટરનો દેશી દારૂ અને 30 લાખથી વધુ વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડાયો છે. કરોડો રૂપિયાના દારૂ ઉપરાંત કરોડો રૂપિયાનો ચરસ અને અફિણનો જથ્થો પણ પકડાયો છે. માત્ર નવસારી જિલ્લામાં જ એક વર્ષમાં વિદેશી દારૂની 9.22 લાખથી વધુની બોટલ ઝડપાઈ હતી.
ચમરબંધીને ન છોડવાની ગૃહમંત્રીની સુફિયાણી વાતો
આ ઉપરાંત નવસારીમાં 60 કીલોથી વધુ ચરસનો જથ્થો તથા 21.5 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો તથા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાંથી 1002 કિલો અફીણ તથા ઝાલોદમાં 2286 કિલો અફિણ તથા 1135 કિલો ગાંજો ઝડપાયો હતો. જ્યારે પાટણમાંથી 2 કીલોથી વધુ અફીણ અને 177 કીલોથી વધુ ગાંજો તથા મહેસાણમાંથી 225 કિલોથી વધુ અફીણ તથા પર ગ્રામ અફિણ અને 58 કિલો ગ્રામથી વધુ ગાંજો ઝડપાયો હતો. આણંદમાં 720 કિલો ગ્રામ ગાંજો અને વડોદરામાં 6 કીલો અફિણ તથા 10 ગ્રામ ચરસ તથા 600 કીલો એમડી ડ્રગ્સ અને 136 કિલો ગાંજો પકડાયો હતો.