અમદાવાદથી ભાગીને આવેલા ૩૦ બાંગ્લાદેશીઓ ભોજમાંથી ઝડપાયા
૬ પુરુષો, ૯ મહિલાઓ અને ૧૯ બાળકોના યોગ્ય દસ્તાવેજો રજૂ ના કરી શક્યા ઃ કોને ત્યાં આશરો લીધો તે અંગે તપાસ
વડોદરા, તા.1 અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે પોલીસની કાર્યવાહીના પગલે ત્યાંથી ભાગીને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે આશરો લેવા માટે આવેલા ૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જિલ્લા પોલીસે ઝડપી પાડી તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે કાશ્મીરમાં પહલગામ ખાતે આંતકવાદી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાની ઝૂંબેશ હાલ ચાલી રહી છે. વડોદરા શહેર તેમજ જિલ્લા ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ બાંગ્લાદેશીઓ પરત ભાગતા હોય તો તેમને ઝબ્બે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન પાદરા તાલુકાના ભોજ ગામે કેટલાંક બાંગ્લાદેશી શખ્સો તાજેતરમાં જ આવ્યા છે અને આશરો લીધો છે તેવી માહિતી જિલ્લા પોલીસને મળી હતી.
જિલ્લા પોલીસનો કાફલો આજે ભોજ ગામે ઉતરી પડયો હતો અને તપાસ હાથ ધરતાં ૬ પુરુષો, ૯ મહિલાઓ તેમજ ૧૯ બાળકો મળી કુલ ૩૦ બાંગ્લાદેશીઓ મળ્યા હતાં. તેઓ પાસેથી દસ્તાવેજોની માંગણી કરતાં યોગ્ય દસ્તાવેજો મળ્યા ન હતાં તેમજ તેઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તાજેતરમાં અમદાવાદ ખાતે ચંડોળા તળાવ ખાતે પોલીસ તેમજ કોર્પોરેશનના મેગા ઓપરેશનના પગલે તેઓ ત્યાંથી ભાગીને ભોજ આવ્યા હતાં.
૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા વધુ તપાસ ચાલું છે તેમજ કોની ત્યાં આશરો લેવા માટે આવ્યા હતા અને કોણે બોલાવ્યા હતાં તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા શખ્સો ગઇકાલે જ અમદાવાદથી આવ્યા હોવાની કબૂલાત કરે છે પરંતુ તેઓ અગાઉથી જ રહેતા હોઇ શકે.