૩૦,૫૦૦ મિલકત ધારકોએ ૧૨.૬૧ કરોડ રૃપિયાનો એડવાન્સ વેરો ભરી દીધો
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં
૧૮,૩૫૪ મિલકતોનો ઓનલાઈન વેરો ભરાયો ઃ ૮૩ લાખ રૃપિયાનું રીબેટ કોર્પોેરેશન દ્વારા આપવામાં આવ્યું
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પહેલી એપ્રિલથી એડવાન્સ મિલકત વેરાની વસુલાત શરૃ કરી દેવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં ૩૦,૫૦૦ મિલકતધારકો દ્વારા ૧૨.૬૧ કરોડ રૃપિયાનો એડવાન્સ મિલકત ભરી દેવામાં આવ્યો છે. ૩૧ મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા રીબેટ આપવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ મિલકતોમાં સતત વધારો
થઈ રહ્યો છે તેના કારણે વેરા પેટેની આવક પણ વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા ગયા
વર્ષથી ઓનલાઈન વેરો ભરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જે માટે
ઘરે બેઠા ક્રેડિટ- ડેબિટ કાર્ડથી કે યુપીઆઇથી જ પોતાનો વેરો ભરી શકે તે માટે ખાસ
સોફ્ટવેર પણ વિકસાવવામાં આવ્યું છે. ગત નાણાકીય વર્ષમાં આગળના વર્ષની સરખામણીએ
પ્રોપર્ટી ટેક્સની આવકમાં ૧૦ કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો. હવે નવા નાણાકીય
વર્ષમાં પણ એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ ટેક્સ ભરનાર નાગરિકો માટે વેરા વળતર
યોજનાની જાહેરાત કરવામાં આવી છે. એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા અને ઓનલાઇન એડવાન્સ
વેરો ભરનારને વધારાના ૨ ટકા વધુ વળતર આપવામાં આવી રહ્યું છે. ૧લી એપ્રિલથી
અત્યારસુધીમાં ૩૦,૫૦૦
નાગરિકો દ્વારા ૧૨.૬૧ કરોડ રૃપિયાનો વેરો ભરપાઇ કરવામાં આવ્યો છે. તે પૈકી ૧૮,૩૫૪ નાગરિકોએ
ઓનલાઈન વેરો ભરપાઇ કરીને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મેળવ્યો છે. તો ઓનલાઇન તેમજ ઓફલાઈન
વેરો ભરનાર મિલકત ધારકોને કુલ ૮૩ લાખ રૃપિયાનું રિબેટ પણ આપવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વેરાના બિલ અને તે સંબંધી જાણકારી મળી રહે તે માટે
વોટ્સએપ ચેટબોટની સુવિધા પણ શરૃ કરવામાં આવી છે. પેથાપુર ઉત્તર ઝોનની કચેરી અને
સેક્ટર-૧૧ બહુમાળી ભવન ખાતે મધ્ય ઝોનની કચેરી ખાતે રોકડ તેમજ ચેકથી વેરો
સ્વીકારવાના કાઉન્ટર શરૃ કરી દેવામાં આવ્યા છે.