રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે જૂનાગઢના 3 યુવકોની લોક જાગૃતિ

ઉજવણી પૂર્ણ થયા બાદ પણ ધ્વજ લગાવેલા હતા : વિવિધ વિસ્તારોમાં લગાવેલા 450થી વધુ રાષ્ટ્રધ્વજ એકત્ર કરી આવતા વર્ષે ફરી વિતરણ થશે
જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ તિરંગાની ગરિમા જળવાતી ન હતી જેથી જૂનાગઢમાં ત્રણ યુવકોએ વિવિધ વિસ્તારોમાં લગાવેલા અને રસ્તા પર પડેલા તિરંગા એકત્ર કરી રાષ્ટ્રધ્વજ પ્રત્યેની આમન્યા જાળવવા લોકોને જાગૃત કર્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે હર ઘર તિરંગા અંતર્ગત નિ:શુલ્ક તિરંગા આપી દેશભક્તિનો જુવાળ ઉભો કરાયો હતો. મકાન, દુકાન અને વાહનોથી લઈ મહોલ્લામાં તિરંગા લગાવવામાં આવ્યા હતા પરંતુ ઉજવણી પૂર્ણ થયા બાદ તિરંગાની જાળવણી અંગે દરકાર લેવાતી નથી. અમુક વિસ્તારોમાં તો તિરંગા રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા. જેથી જૂનાગઢના NGO ચલાવતા કૃણાલ સોઢા, રવિ વૈષ્ણવ અને જય સુરેલીયાએ વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા તથા આડેધડ લગાવેલા 450થી વધુ તિરંગા એકત્ર કરી લોકોને રાષ્ટ્રધ્વજનું માનસન્માન જળવાઈ તે માટે જાગૃત કર્યા હતા. આ રાષ્ટ્રધ્વજ આગામી દેશભક્તિના કાર્યક્રમમાં નિ:શુલ્ક આપવામાં આવશે.









