રાજુલા નજીક ગોજારા માર્ગ અકસ્માતમાં પાદરાના 3 યુવા મિત્રોનાં કરૂણ મોત
ST બસ, કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર : ત્રણે'ય મિત્રો દીવ તરફથી આવી રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સાથે અથડાતા કારનો બુકડો, મોબાઈલ ફોનમાંથી નંબર શોધીને પરિવારને જાણ કરાતા શોકનું મોજું
રાજુલા,અમરેલી, : રાજુલા નજીક એસ.ટી. બસ, કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થવાથી સર્જાયેલા ગોજારા માર્ગ અકસ્માતમાં વડોદરા પંથકનાં પાદરાનાં વતની ત્રણ યુવા મિત્રોનાં કરૂણ મોત નીપજ્યા હતા. હતભાગી ત્રણે'ય મિત્રો દીવ તરફથી આવી રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સાથે અથડાઈને કારનો બુકડો બોલી ગયો હતો. બાદમાં તેમના મોબાઈલ ફોનમાંથી નંબર શોધીને પરિવારને જાણ કરાતા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગત પ્રમાણે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાની હિંડોળા ચોકડી નજીક આજે સવારે રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જેના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ પણ દોડી આવી હતી અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ સાથે પોલીસે સ્વિફ્ટ કારમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોની ઓળખ મેળવવા માટે તેઓના મોબાઈલ ફોનમાંથી નંબર મેળવીને પરિવારજનોને જાણ કરી હતી. જેમાં મૃતક યુવાનો વડોદરા જિલ્લાના પાદરના વતની દેવાભાઇ મિતેષભાઈ સોની તથા જયભાઈ પટેલ તથા સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર હોવાનું ખુલ્યું હતું. આ સાથે તેઓ દીવ તરફથી આવી રહ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાજુલાની હિંડોરણા ચોકડી નજીક અકસ્માત સર્જાયો તેમાં રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર બેકાબુ બનીને એસ.ટી. બસ સાથે અથડાઈ હતી અને બાદમાં પાછળથી આવતો બાઈકચાલક એસ.ટી. બસની પાછળ ઘુસી ગયો હતો. જેથી કારમાં બેઠેલા ત્રણેય યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે બાઈકચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં એસ.ટી. ડેપોના અધિકારીઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.