3 વર્ષની ભાણેજ ટાંકામાં પડી જતાં બચાવવા કૂદેલા નાનીમાં પણ ડૂબી ગયા
ચોટીલા નજીકના પાળિયાદ ગામે ગમખ્વાર ઘટના : નાનીમાં કપડા ધોતા હતા ત્યારે નાનકડી ભાણેજ બાજુમાં રમતાં રમતાં પડી ગઈ, ડૂબી જતાં બન્નેના મોત : દૂર્ઘટના બની એ ટાંકો 10,000 લિટર જળ સંગ્રાહક ક્ષમતા ધરાવે છે. જે કાયમ ભરેલો હોય છે ઘટના બની ત્યારે 9,000 લિટર પાણી ભરેલું હતું
ચોટીલા, : ચોટીલાની બાજુમાં આવેલા પાળીયાદ ગામે ત્રણ વર્ષની ભાણેજ બાળકી રમતાં રમતાં બાજુના પાણીના ટાંકામાં પડી જતાં કપડા ધોઈ રહેલા નાનીમાએ ભાણેજને બચાવવા ટાંકામાં ઉતરતા જ બનેલી દૂર્ઘટનામાં ડૂબી જવાથી બન્નેના મૃત્યુ નિપજયા હતા. પાળિયાદ ગામે હરજીભાઈ ઉધરેજીયાની બાજુમાં રહેતી પરિણીત દીકરી અને તેની પુત્રી ઘરે આવ્યા હતા. આ વખતે ભાનુબેન (નાનીમા) ટાંકાની બાજુમાં કપડાં ધોતા હતા અને તેની બાજુમાં તેની ત્રણ વર્ષની ભાણેજ ગોપી રમતી હતી. આ બાળકી રમતાં રમતાં અચાનક ટાંકામાં પડી જતા તેને બચાવવા ભાનુબેને પણ ટાંકામાં ઝંપલાવ્યું હતું. જે બન્નેના ડૂબી જવાથી મોત નીપજયા હતા. આ બનાવ બની ગયાની ઘરમાં કોઈને ખબર ન હતી. બપોરે બનેલા બનાવમાં સૌ સૂતા હતા. જેમાં હરજીભાઈ સૂઈને જાગ્યા ત્યારે દીકરાને તેની મમ્મીને ચા બનાવવા બોલાવવાનું કહેતા તપાસ કરતા ભાનુબેન અને ભાણેજ ગોપી ત્યાં દેખાઠા ન હતા. કાયમી ધોરણે ઢાંકણું બંધ રહેતા ટાંકાનું ઢાંકણું જોખા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. આમ નાનીમાં અને ભાણીના એક સાથે મૃત્યુ નીપજતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું. દૂર્ઘટના બની એ ટાંકો 10,000 લિટર જળ સંગ્રાહક ક્ષમતા ધરાવે છે. જે બારે'ય માસ ભરેલો જ રખાય છે. ઘટના બની ત્યારે 9,000 લિટર પાણી ભરેલું હતું. આમ આ ટાંકો જ ગોઝારો બન્યો હતો.