જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ

વડોદરાઃ જેતલપુર વિસ્તારના જ્વેલર્સ શો રૃમમાંથી બે દિવસ પહેલાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા સોનાની રૃ.૧૦ લાખની કિંમતની બંગડીઓ ઉઠાવી ગઇ હોવાનો બનાવ બનતાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.
અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પર આવેલા પીએન ગાડગીલ એન્ડ સન્સ નામના શોરૃમમાં તા.૮મીએ બપોરે રોજના ક્રમ મુજબ સેલ્સનું કામ કરતા કર્મચારીઓ વારાફરતી જમવા જતા હતા ત્યારે સવા વાગે ત્રણ મહિલા આવી હતી.
આસિ.મેનેજર નિશાબેને તેમને બંગડીઓ બતાવી હતી.પરંતુ મહિલાઓ પસંદ કરતી નહતી અને બીજી ડિઝાઇન જોવા માંગતી હતી.ત્યારબાદ ૧૫ મિનિટમાં ત્રણેય મહિલાઓ અમને બંગડીઓ પસંદ પડતી નથી તેમ કહી નીકળી ગઇ હતી.
રાતે સ્ટોકની ગણતરી વખતે રૃ.૧૦ લાખની કિંમતની ૭.૭૦ તોલાની આઠ બંગડી ઓછી દેખાતાં કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.જે દરમિયાન ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા બંગડીઓનું બોક્સ પોતાની બેગમાં નાંખતી દેખાઇ હતી.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.