Gujarat

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો

By GS TEAM
9 Jun 20261 min read
TukuTouch Logo
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે જમીન સંબંધિત જૂની અદાવતને લઈને 3 મહિલાઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો

Jamnagar Crime : જામજોધપુર તાલુકાના અમરાપર ગામે જમીન સંબંધિત જૂની અદાવતને લઈને 3 મહિલાઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ તા.8 જૂનના રોજ સવારે આશરે 11.00 વાગ્યે અમરાપર ગામની ગૌશાળા નજીક રોડ પર આરોપીઓએ જૂના જમીન વિવાદનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે અમરાપર ગામની રહેવાસી જીવીબેન વિરમભાઈ કારાવદરાએ જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા, તેમની પત્ની ભરમીબેન, ભાવનાબેન દુદાભાઈ ઓડેદરા તથા નાગાજણભાઈના પુત્ર માનવે એકસંપ થઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો.

હુમલામાં ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા ઉપરાંત ખભા અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. સાથે રહેલી સાકળબેનને હાથ, ખભા અને માથાના ભાગે જ્યારે સુમિત્રાબેનને ખભા, પેટ તથા પગના ભાગે ઈજાઓ પહોંચ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.