રાજુલા પાસે ટ્રિપલ અકસ્માતમાં 3 ના ઘટનાસ્થળે કરૂણ મોત
- ભાવનગર-અમદાવાદ બાદ ભાવનગર-સોમનાથ હાઈવે થયો રક્તરંજીત
- એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત, એસટી નિગમના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી
બનાવની મળતી વિગતો પ્રમાણે ભાવનગર-સોમનાથ હાઈ-વે પર રાજુલા નજીક હિંડોરણા રોડ મીરદાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ, કાર અને બાઈક વચ્ચે આજે બપોરના ૨.૩૦ કલાકના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર દેવાભાઇ મિતેષભાઈ સોની, જયભાઈ પટેલ તથા સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર (તમામ રહે. પાદરા, જી. વડોદરા)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાઈકચાલક ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસટી નિગમના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી પ્રાથમિક વિગતો અનુસાર રોંગ સાઈડથી આવતી કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈક બસની પાછલ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર સવાર ત્રણેય લોકો દિવ તરફથી આવી રહ્યાં હતા ત્યારે આ બનાવના પગલે સ્થાનિક પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં હતી.