જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડતના એંધાણ
જામનગર મહાનગર પાલિકા સંચાલિતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ની શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની ઈજાફો રોકવા સાથે બદલી કરવામાં આવી છે. આમ એક સાથે ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જેથી શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા ફરી એક વખત જોહુકમી અને મનસ્વી પદ્ધતિથી ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. અને શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની એક ઝાટકે બદલી કરી નાંખવા માં આવી છે, અને સાથે ભવિષ્યની અસર સાથે ઈજાફો પણ રોકવામાં આવ્યો છે.
એક કર્મચારીને બે સજા ન થઈ શકે તેવા કોર્ટ અને ટ્રીબ્યુનલના આદેશની પણ અવગણના કરવામાં આવી છે, અને એક સાથે શાળા નંબર 29ના ત્રણ શિક્ષકો શૈલેષભાઈ ટી. સિમરિયા, દિપ્તિબેન બી. પરમાર અને પ્રીતિબેન ડાભી ની ભવિષ્ય ની અસર થી ઈજાફો રોકવા સાથે બદલી કરી નાખવામાં આવી છે.
આ શિક્ષાત્મક આદેશની અસલ નકલ પણ આપવામાં આવી નથી.ફરિયાદ મળ્યા ની તપાસના અંતે આ પગલાં લેવાયાનું જણાવ્યું છે, પરંતુ ન્યાયી રીતે યોગ્ય હોય તેવી કોઈ તપાસ કરવામાં આવી નથી. આથી શિક્ષણ સમિતિના શાસકોની નીતિ-રીતિ સામે પણ સવાલો ઊઠવા પામ્યા છે. આ બદલી માટે એવું કારણ જાહેર કરાયું છે કે, વાલીની અને આચાર્યની ફરિયાદોના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, જો આ શિક્ષાત્મક પગલાં રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવનાર છે. હવે આવનારા દિવસોમાં શિક્ષણ જગતમાં કાંઈક નવાજુની થશે તે નક્કી છે.