સાયલા ગ્રામ પંચાયત કચેરી બહાર 3 સફાઇ કર્મચારી ઉપવાસ આંદોલન પર ઉતર્યા
એરિયર્સ સહિતની પડતર માંગનો ઉકેલ નહીં આવતા
ઓક્ટ્રોય ગ્રાન્ટ, મોંઘવારી અનુદાનની રકમ નિયમિત ગ્રામ પંચાયતને નહીં મળતા એરિયર્સ ચુકવાયું નથીઃ તલાટી
સાયલા - સાયલા ગ્રામ પંચાયતમાં કામ કરતા ત્રણ પૂર્વ સફાઇકર્મીઓ એરિયર્સના રૃપિયા ચુકવવા મુદ્દે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ ઉપરાંત હાઇકોર્ટના હુકમ બાદ પણ સફાઇ કર્મચારીઓને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી.
સાયલા ગ્રામ પંચાયતમાં કામ કરતા ત્રણ સફાઇ કર્મચારીએ ગત ૧૯ જૂનના રોજ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના લોકોને એરિયર્સના રૃપિયા ચૂકવવા અંગે રજૂઆત કરી માંગ નહીં સંતોષાય તો ઉપવાસ આંદોલનની લેખીત જાણ કરી હતી. તેમ છતાં યોગ્ય નિકાલ નહીં આવતા આજ રોજ ગ્રામ પંચાયત કચેરી પાસે નિર્મળાબેન વાઘેલા, ગીતાબેન વાઘેલા, તેમજ નાગરભાઈ વાઘેલા ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા. ત્રણેય કર્મચારીઓ અંદાજે ૮થી ૧૦ વર્ષ પહેલા રિટાયર થયા હતા. ઔદ્યોગિક ટ્રિબ્યુનલ રાજકોટના હુકમથી ત્રણેય લોકોની નિયમિત નિમણૂક ગણી કાયમી કર્મચારી તરીકે લાભો આપવા એવોર્ડ આવેલો હતો.
ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટના ૧૮-૪-૨૦૦૦ના હુકમનો અમલ કરવા પણ સરકારના નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી આ કર્મચારીઓને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી. કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એરિયસની રકમ ગ્રામ પંચાયત દ્વારા ચૂકવવામાં આવી નથી.
આ બાબતે સાયલા ગ્રામ પંચાયતના તલાટી ધર્મેન્દ્રસિંહ મસાણીએ જણાવ્યું કે સરકાર તરફથી ગ્રામ પંચાયતને મળવા પાત્રની ઓક્ટ્રોય ગ્રાન્ટ તેમજ મોંઘવારી અનુદાનની રકમ નિયમિત ગ્રામ પંચાયતને નહીં મળવાને કારણે હાલ ગ્રામ પંચાયતની પરિસ્થિતિ આ એરિયર્સની રકમ ચૂકવી શકે તેવી નથી.