Get The App

3 કબુતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
3 કબુતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા 1 - image

- આણંદ- વિદ્યાનગર રોડ પર વિઝા- કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને 

- દંપતીએ કેનેડા જવા માટેનો વિઝા કન્સલ્ટન્સી ઓફિસનો સંપર્ક કરીને 11 લાખ આપ્યા બાદ વિઝા નહીં આપીને છેતરપિંડી કરી, ઓફિસને રાતોરાત તાળાં મારી સંચાલકો ફરાર 

આણંદ : આણંદ- વિદ્યાનગર રોડ ઉપર આવેલી હોટલની બાજુના કોમ્પ્લેક્સમાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને બે મહિલા સહિતના ત્રણ કબૂતરબાજોએ વિદેશ મોકલવાની લાલચ આપી ૨૧ જેટલા ગ્રાહકો પાસેથી રૂપિયા ૫૦ લાખથી વધુની રકમ મેળવી રાતોરાત ઓફિસને ખંભાતી તાળાં મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરાના દશરથ ખાતે રહેતા અજયભાઈ જયેશભાઈ પટેલના પત્ની રાગિણીબેન વર્ક પરમીટ ઉપર ૨૦૨૩ માં કેનેડા ગયા હતા. ત્યારબાદ ડીપેન્ડન્ટ તરીકે અજયભાઈએ વિઝા મેળવવા એપ્લાય કરવા છતાં તેઓને વિઝા મળ્યા ન હતા. દરમિયાન મે ૨૦૨૫ માં તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આણંદના એવી રોડ ઉપર આવેલા વિઝા સિનર્જી નામની જાહેરાત જોતા તેઓએ હોટલ એચની બાજુની બિલ્ડિંગમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં સંપર્ક કરતા દિનેશભાઈ મણીભાઈ પટેલ, કાજલબેન રાવજીભાઈ પટેલ અને માનસીબેન સિદ્ધાર્થ લીંબાચીયા મળ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ વિઝા સીનરજીના માલિક તરીકે આપી હતી. કેનેડાના વિઝા અને પી.આર માટે રૂપિયા ૪૫ લાખ જેટલો ખર્ચ થશે તેમ તેઓએ જણાવી લોભામણી વાતો કરતા અજયભાઈ પટેલ ભોળવાઈ ગયા હતા અને તેમના કહ્યા મુજબ રોકડા રૂપિયા ૧૧ લાખ પ્રથમ આપવા સહમત થયા હતા. જે રકમ ઓફિસ ખાતે આપતા તેઓએ ચાર માસમાં કામ પૂરું કરી આપવાની ખાતરી આપી હતી બાદમાં અજયભાઈ પટેલે અવારનવાર તપાસ કરતા તેઓ જુદા જુદા સમયે લાંબી મુદત આપી વાત ટાળતા હતા. દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં અજયભાઈ પટેલે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર દિનેશભાઈ મણીભાઈ પટેલ ઓફિસ બંધ કરી ઘણા બધા લોકો પાસેથી મોટી રકમો લઈ જતા રહ્યા હોવાના સમાચાર જોયા હતા. જેથી તેઓએ આણંદ ખાતે તપાસ કરતા તેઓની સાથે અન્ય ૨૧ ગ્રાહકો પાસેથી પણ આ ત્રણેય શખ્સોએ કુલ રૂપિયા ૫૦.૯૦ લાખ રકમ પડાવી વિદેશ નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાણવા  મળ્યું હતું. આ મામલે અજયભાઈ જયેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશભાઈ મણીભાઈ પટેલ (રહે. કલોલ. ગાંધીનગર) કાજલબેન રાવજીભાઈ પટેલ (રહે લાભવેલ મૂળ રહે વીરપુર ખેરોલી)અને માનસી સિદ્ધાર્થ લીમ્બાચીયા (રહે તારાપુર આણંદ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.