જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે ગઈકાલે મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. એક બોલેરોના ટાયરમાં પંચર પડી જતાં તેમાં બેઠેલી ચાર વ્યક્તિઓ નીચે ઉતરીને ટાયર બદલી રહી હતી, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી અન્ય બોલેરોના ચાલકે ચારેયને કચડી નાખતાં ત્રણના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક તરુણ ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવને લઈને મૃતકના પરિજનોમાં ભારે ગમગીની ફેલાઇ છે. લાલપુરનું પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉંમર વર્ષ 36) શ્રુદીપ દિનેશભાઈ ગોજીયા (ઉ.વ.16) ભરત લખમણભાઈ ડાંગર (ઉ.વ.21- કરશનપર) અને શ્યામભાઈ અશોકભાઈ ગાગીયા (ઉ.વ.16) કે જેઓ ગઈકાલે જી.જે.-25 યૂ 5803 નંબરની બોલેરો માં બેસીને લાલપુર તાલુકાના સણોસરા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના ટાયરનું પંચર પડી જતા રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં ચારેય વ્યક્તિ બોલેરો માંથી નીચે ઉતરીને માર્ગ પર ટાયર બદલી રહ્યા હતા.
જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ડી.એ. 2287 નંબરના બોલેરો ના ચાલકે ચારેયને હડફેટેમાં લઈ કચડી નાખતાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી, અને હાઇવે રોડ મરણ ચિચિયારીથી ગાજી ઉઠ્યો હતો.
આ ગોઝારા અકસ્માતમાં કમલેશભાઈ, શ્રુદીપભાઈ અને ભરતભાઈ ત્રણેયના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જયારે શ્યામભાઈ ગાગીયાને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનો ખાયડી ગામથી બનાવના સ્થળે અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. લાલપુર પોલીસે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જે પોતાનો વાહન છોડીને ભાગી છુટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.


