ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત

- 10 થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
- આમસરણ પાટિયા પાસે, પરીએજ નજીક અને માંકવા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
અમદાવાદ નિકોલમાં રહેતા દિવ્યેશ ધીરજલાલ વઘાસિયા બેસતા વર્ષે ગાડી લઈ માતા લીલાવતીબેન, દીકરા માનવને લઈ ડાકોર, વડતાલ તેમજ નડિયાદ સંતરામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. પરત ફરતા મહેમદાવાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટીયા નજીક રોડ ઉપર કૂતરું આવતા બ્રેક મારતા ગાડી રોડની સાઈડ પર આવેલા થાંભલા સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી દિવ્યેશ ભાઈ વઘાસીયાને ૧૦૮ના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં અમદાવાદના લાંભા ઇન્દિરા નગરીમાં રહેતા જય દેવરાવ કુહાડ મોટર સાયકલ પર પત્ની અનિતાબેનને લઇ ખંભાત સાસરીમાં જતા હતા. દરમિયાન માતર તારાપુર રોડ ઉપરથી પસાર થતા પરીએજ નજીક રોંગસાઈડે આવેલી બાઈક અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત ભરતભાઈ મકવાણા (રહે. પરીએજ)નું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે લીંબાસી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્રીજા બનાવમાં આણંદ તાલુકાના વાસદમાં રહેતા રુદ્રપ્રકાશ ચંદ્ર મોહન સીંગ, તેના ભાઈ સિદ્ધાર્થ, માતા અને પિતા ગાડીમાં ફોઈના ઘરે ઇસનપુર અમદાવાદ ગયા હતા. જ્યાંથી પરત ફરતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે માંકવા સીમ નજીક ટ્રકના ચાલકે બ્રેક મારતા ગાડી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેથી ગાડીના ચાલક સિદ્ધાર્થ, પિતા ચંદ્રમોહન, માતા પુષ્પાબેન તથા રુદ્રપ્રકાશ ઈજાગ્રસ્ત થતા નડિયાદની દેસાઈ હોસ્પિટલ લઈ જવાતા તબીબ ન મળતા ચારેયને સારવાર માટે કરમસદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૩મીની રાત્રે સિદ્ધાર્થ પ્રકાશ મોહનચંદ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રુદ્ર પ્રકાશ મોહન ચંદ્ર સીંગની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

