Gujarat

ઉનાવા ગામે બાજી માંડીને બેઠેલાં ૩ શખ્સો પકડાયાં ઃ ૩ ભાગી ગયાં

By GS TEAM
21 Jun 20252 mins read
ઉનાવા ગામે બાજી માંડીને બેઠેલાં ૩ શખ્સો પકડાયાં ઃ ૩ ભાગી ગયાં

પોલીસે જુગારીયાઓના રંગમાં ભંગ પાડયો

ગાંધીનગર :  ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને વરલી મટકાનું ચલણ વધ્યું છે. ત્યારે સક્રિય થયેલી પોલીસે ઉનાવા ગામની સીમમાં રેડ પાડીને જુગારીઓની બાજી બગાડી નાંખી હતી. સ્થળ પર પોલીસ પહોંચતા નાશભાગ મચી ગઇ હતી. તેમાં ત્રણને ઝડપી લેવાયા હતાં. જ્યારે ત્રણ આરોપી નાસી છુટયા હતાં. દરમિયાન આદરજ મોટી ગામની ભાગોળમાં જ વરલી મટકા રમતાં એક પકડાયો જ્યારે કટીંગ લેનારાને પકડવા તજવીજ શરૃ કરાઇ છે.

પોથાપુર પોલીસ દ્વારા ઉનાવા ગામે પાડવામાં આવેલી રેડ દરમિયાન ગામમાં આંટાના વાસમાં રહેતા યુવરાજસિંહ વિક્રમસિંહ ઠાકોર, પ્રતાપજી ભેમાજી ઠાકોર તથા અરૃણ ઉર્ફે વિપુલ લક્ષ્મણજી ઠાકોરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં. જ્યારે ઉનાવા ગામના રહેવાસી અન્ય ત્રણ શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. તેમાં દશરથજી શકરાજી ઠાકોર, વિશાલ લક્ષ્મણજી ઠાકોર અને ભાવેશ રમેશભાઇ નાયી નામના શખ્સો સામેલ હોવાનું હેડ કોન્સ્ટેબલ રણછોડભાઇ અજમલભાઇ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. બીજી બાજુ આદરજ મોટી ગામની ભાગોળમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની માહિતીના પગલે પેથાપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં કાળાજી સવાજી છાકોર નામનો શખ્સ હિસાબની ચિઠ્ઠીઓ સાથે ઝડપાઇ ગયો હતો. પુછપરછ કરવામાં આવતાં તેણે વરલી મટકાના આંક ફરકનું કટીંગ ગામમાં જ મહાદેવ વાસમાં રહેતા દિલીપજી મોહનજી ઠાકોરને આપતો હોવાની કબુલાત કરતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.