Get The App

કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા 1 - image

- સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, દારૂના કટિંગ વખતે ખેડા એલસીબીનો દરોડો

- બિયર- દારૂની 44,136 બોટલો, 7 વાહનો સહિત રૂા. 1.83 કરોડનો મુદ્દામાલ જપ્ત : અમદાવાદ, ઉત્તરપ્રદેશ અને કઠલાલ પકડાયેલા આરોપી સહિત ૪ વૉન્ટેડ

નડિયાદ, કઠલાલ : ખેડા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચે કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે રૂા. ૧.૩૭ કરોડનો વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૧.૮૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીની ટીમ દારૂના વેપલા પર સપાટો બોલાવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. 

ખેડા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે, પ્રદિપસિહ ઉર્ફે ભોલુ જગદીશસિહ રાજપૂત (રહે. ઓઢવ, અમદાવાદ) અન્ય માણસો સાથે મળી બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીક વાહનોમાં દારૂનું કટિંગ કરવાના છે. માહિતીના આધારે એલસીબી સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. દરોડામાં મોટા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ બીજા ઉભેલા વાહનોમાં ઉતારાતી અને ભરાતી હતી. પોલીસે તમામ વિસ્તારને કોર્ડન કરીને સ્થળ પરથી ૩ ઈસમોને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં (૧) તપીન્દરસીંગ કાલીચરણ ઠાકુર (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ), (૨) અજયકુમાર ઉર્ફે બાબુભાઇ રામસીંહ ડાભી (રહે. કઠલાલ જિ. ખેડા) અને (૩) અનીલકુમાર ઉર્ફે અનો લક્ષ્મણસિંહ ડાભી (રહે. કઠલાલ, જિ. ખેડા)નો સમાવેશ થાય છે. સ્થળ પરથી દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ ૪૪,૧૩૬ નંગ દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત ૧.૩૭ કરોડ ઉપરાંત ગણવામાં આવી છે. ૪૫ લાખના ૭ વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૧.૮૩ કરોડ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો છે. રેઈડમાં ન પકડાયેલા અને નાસી જનાર ઈસમો વિરુદ્ધ પણ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

કયા આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા

પોલીસે અર્જુનભાઇ ગોવિંદભાઇ ડાભી, (રહે. કઠલાલ), પ્રદિપસિહ ઉર્ફે ભોલુ જગદીશસિંહ રાજપૂત (રહે. ઓઢવ, અમદાવાદ), વિદેશીદારૂનો જથ્થો લાવી કટિંગ કરનાર અને વિદેશીદારૂનો જથ્થો ભરી લઇ આવનાર તથા સ્થળ ઉપરથી નહીં પકડાયેલા વાહનોના ડ્રાઇવરોને વોન્ટેડ જાહેર કર્યા છે.