- નિસરાયા ચોકડી, જોગણ, આંકલાવ પાસેથી
- પોલીસે દોરી સહિત, મોપેડ સહિતની મત્તા જપ્ત કરી શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આણંદ : ઉતરાયણ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પોલીસ દ્વારા જિલ્લાની નિસરાયા ચોકડી જોગણ અને આંકલાવ ખાતેથી કુલ ૩૮ નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બોરસદની નિસરાયા ચોકડી નજીક આવેલા વાસણા ફાટક પાસે બોરસદ શહેર પોલીસે છાપો મારી સંજય રમણભાઈ તળપદા (રહે.બોરસદ)ને ચાઈનીઝ દોરીની ત્રણ નંગ ફીરકીઓ સાથે ઝડપી પાડયો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા ૬૦૦ જેટલી થવા જાય છે. બીજા બનાવમાં પેટલાદ તાલુકાના જોગણ ગામની નહેર ઉપર આવેલા કેસર ફાર્મના બોર્ડ નજીક પેટલાદ શહેર પોલીસે છાપો મારીને રવિ ઉર્ફે ગોપી રસિકભાઈ પારેખ (રહે જોગણ)ને ચાઈનીઝ દોરીના ૨૩ નંગ ફિરકા સાથે ઝડપી પાડયો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૧૫૦૦ જેટલી થવા જાય છે. અન્ય એક બનાવોની મળતી વિગત મુજબ આંકલાવ પોલીસે મળેલ માહિતીના આધારે અંબાલી રોડ નાની નહેર ખાતે છાપો મારીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને મોપેડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેના થેલાની તપાસ કરતા અંદરથી ચાઈનીઝ દોરીના ૧૨ નંગ ફિરકા મળી આવ્યા હતા. પોલીસે તેનું નામઠામ પૂછતા શખ્સે રહીમભાઈ છત્રસિંહ પરમાર (રહે.ભેટાસી વાંટા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરી તથા ટુ વ્હીલર મળી ૫૩,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ રહીમ પરમારની પૂછપરછ કરતા આ ચાઈનીઝ દોરીનો જથ્થોે ભાદરણના આરીફ ભાઈ રાજેશભાઈ પરમાર પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


