Get The App

કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા 1 - image

- ચકલાસી પોલીસની બાતમીને આધારે કાર્યવાહી 

- પોલીસે પશુ, વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી

નડિયાદ : કૈલાશપુરા-પાલૈયા તરફ આવતા પિકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા ત્રણ મૂંગા પશુઓ સાથે ગાડીના ચાલકને ચકલાસી પોલીસે ઝડપી પાડયો હતો. આ ઉપરાંત પાલૈયા-હાથજ રોડથી થોડે દૂર પતરાંની આડશ કરી મટન વેચતા હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરતા કતલ કરેલ ઘેટું અને બે જીવતા ઘેટાં સાથે બે શખ્સો ઝડપાયા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચકલાસી પોલીસ રવિવારે સવારે કૈલાશપુરા-પાલૈયા રોડ ઉપર વોચમાં ઉભી હતી. ત્યારે એક પિકઅપ ડાલું આવતા તેને ઉભું રખાવી તલાસી લેતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી એક ભેંસ અને બે પાડા મળી આવ્યા હતા. આ પિકઅપ ડાલામાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. જેથી પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા જીતુભાઈ ફતાભાઈ ચુનારા (રહે. મરીડા)એ પોતાના ઘરે તબેલો હોવાથી પશુઓનું પાલન કરવા મનુભાઈ ચુનારા (રહે. અલીદ્રા) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂપિયા બે લાખનું પિકઅપ ડાલું તેમજ દસ હજારના પશુઓ મળી કુલ રૂપિયા બે લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં ચકલાસી પોલીસે પાલૈયાથી હાથજ જવાના રોડ પરથી થોડે દુર પતરાંથી આડશ કરી મટન વેચતા હોવાની બાતમી મળતા તપાસ કરતા એક કતલ કરેલ ઘેટું અને બે જીવતા ઘેટાં અને રિક્શા મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી મળેલા બંને શખ્સોની પૂછપરછ કરતા શખ્સોએ શરાફકત મહેમુદ મિયા કુરેશી અને સોહીલ મહેમુદ મિયા કુરેશી (બંને રહે. મરીડા ભાગોળ, નડિયાદ)ના હોવાની ઓળખ આપી હતી. આ બંને શખ્સોે પોતાના ઘરેથી રિક્ષામાં પશુ લાવી કતલ કરી વેચતા હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.