બોરસદ તાલુકાના નાપા વાંટા ગામમાં ગાયોની કતલ કરતા 3 શખ્સ ઝડપાયા
- ગાયની કતલની તૈયારી વખતે જ પોલીસ ત્રાટકી
- બે ગાયને બચાવી લેવાઈ : છરો, કુહાડી સહિત રૂા. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત : 3 શખ્સો વૉન્ટેડ : કતલ બાદ અન્ય શખ્સો દ્વારા માંસ વેચાણ કરાતું હતું
આણંદ જિલ્લામાં થતી ગાયોની હત્યા રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસ વડાની સૂચના બાદ બોરસદ ગ્રામ્ય પોલીસ ટીમ કામે લાગી હતી.
ત્યારે નાપા વાંટા ગામમાં નામણ રોડ પાટિયા વિસ્તારમાં રહેતો મુસ્તાક અશુભા ગલાબસિંહ રાણા વાડામાં ગાયો લાવી ગેરકાયદે કતલ કરી ગાયનું માંસ વેચાણ કરાતું હતું. જ્યાં પોલીસે દરોડો પાડીને સાહિલભાઈ શકીલભાઈ ઉર્ફે ખાટકી કુરેશી (રહે. નાપા તળપદ એકતાનગર આદર્શ સ્કૂલ પાછળ, કાંસના નાળા પાસે, તા. બોરસદ), મુસ્તાક ઈશુભા ગલાબસીંગ રાણા (રહે. નાપા વાંટા નામણ રોડ પાટિયા તા. બોરસદ) તથા ઈરફાનઅલી બક્સુઅલી અહેમદઅલી સૈયદ (રહે. નાપા તળપદ ખારાકુવા ટેકરા, તા. બોરસદ)ને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાણી- ઘાસચારા વગર ક્રૂરતાથી બાંધેલી બે ગાયોની કતલ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ પોલીસ આરોપીને પકડી પાડી ગાયોના બચાવાઈ હતી.
સ્થળ પરથી પોલીસે બે ગાય, બે મોબાઈલ, રિક્ષા, એક્ટિવા, લોખંડના છરા, દોરડા, વજન કાંટા, કુહાડી, એમરી સહિત રૂા. ૧.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે શકીલ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી, તૌફિક શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી તથા ફિરોઝ દાઉદભાઈ વ્હોરા ત્રણે રહે. નાપા તળપદવાળા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.