Get The App

VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 5ની ધરપકડ, 3 અધિકારી સસ્પેન્ડ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 5ની ધરપકડ, 3 અધિકારી સસ્પેન્ડ 1 - image


Water Tank Collapse Incident In Surat : સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્ટ્રાક્ટર-સુપરવિઝન કરનાર કંપનીના 5 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 5ની ધરપકડ, 3 અધિકારી સસ્પેન્ડ 2 - image

પાણીની ટાંકી ધરાશાયી મામલે 5 વ્યક્તિની ધરપકડ

માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાને લઈને કોન્ટ્રાકટરની કંપનીના 3 વ્યક્તિ અને સુપરવિઝન કરનાર કંપનીના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસ મામલે કાર્યપાલક ઈજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઈજનેર રજનીકાંત ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેરને ફરજ પરથી દૂર કર્યા હતા.


શું હતી સમગ્ર ઘટના?

માંડવીના તડકેશ્વર ગામે આસપાસના 34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી અંદાજે ₹95 લાખના ખર્ચે વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત પાણી ભરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ આ આખું સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી નાણાંનો વેડફાટ અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે.

દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ 

આ ઘટનાનો પડઘો છેક ગાંધીનગર કેબિનેટ સુધી પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ મામલાને ગંભીરતાથી લઈ જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

પાણી પુરવઠા મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આ અત્યંત ગંભીર બેદરકારી છે. માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચાલે; ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનો પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં."

અત્યાર સુધીની મોટી કાર્યવાહી

ફરજમાં ઘોર બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. બાંધકામ કરનાર એજન્સીના જવાબદાર લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાંધકામની ગુણવત્તા અને વપરાયેલા મટીરિયલની તપાસ કરવા માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે હાજર થવા આદેશ

ગુણવત્તા સામે ઉભા થયા સવાલો

ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકી તૂટી પડતા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે. 34 ગામોના લોકો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં સરકારી કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરનારાઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન બનશે.