Gujarat

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ

By GS TEAM
31 Mar 20261 min read
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ

- ઘર પાસે એઠવાડ નાખવા બાબતે માથાકૂટ થઈ હતી

- તલવાર અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી 

મહુવા : મહુવામાં પોણા સાત વર્ષ પહેલા એઠવાડનું પાણી નાખવા બાબતે થયેલી માથાકૂટની દાઝ રાખી તલવાર અને છરી વડે હુમલો કરવાના ગુનામાં મહુવાની અદાલતે ત્રણ આરોપીઓને સાત વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.

મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં સામસામે રહેતા બે પરિવારો વચ્ચે એઠવાડનું પાણી નાખવા બાબતે માથાકૂટ થઈ હતી.આ બાબતની દાઝ રાખી ગત ૨૦ જૂન ૨૦૧૯ ના રોજ હમીરભાઇ જાદવભાઈ મકવાણા,ભરતભાઈ જાદવભાઈ મકવાણા અને મુકેશ હમીરભાઇ મકવાણાએ તલવાર અને છરી વડે કરેલા હુમલામાં સંજયભાઈ વીરાભાઇ બાંભણિયા,મુકેશભાઈ,વીરાભાઇ અને લીનાબેન ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવ અંગેનો કેસ મહુવાના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અતુલકુમાર એસ.પાટિલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો તેમજ લેખિત અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે હમીર જાદવભાઈ મકવાણા, ભરત જાદવભાઈ મકવાણા અને મુકેશ હમીરભાઇ મકવાણા રહે.તમામ જનતા પ્લોટ, મહુવાને કસુરવાર ગણી સાત વર્ષની કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.આ બનાવમાં આરોપી પક્ષે સામી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી,જે કેસમાં પુરાવાના અભાવે  ફરિયાદી અને સાહેદોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.