Gujarat

પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે

By GS TEAM
14 Feb 20261 min read
પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે

- નાના ખોખરા ગામનો શખ્સ છૂટક વેચાણ માટે દારૂ લાવ્યો હતો

- વરતેજ પોલીસે દારૂ, કાર મળી રૂ. 2.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : નાના ખોખરા ગામની પાડળીયાની સીમમાં વરતેજ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરતેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની હોન્ડા અમેજ ફોર વ્હીલર કાર નં.જીજે-૦૮-સીજી-૧૪૩૪માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને નાના ખોખરા ગામની પાડળીયાની સીમમાં આવેલ યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ (રહે. નાના ખોખરા)ની વાડી તરફ આવે છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે નાના ખોખરા ગામની પાડળીયાની સીમમાં દરોડો પાડી કારની અંદર અને ડેકીમાં તલાશી લેતા વિદેશી દારૂની નાની-મોટી બોટલ ૧૦૫  કિંમત રૂ.૧૭,૮૫૦ની મળી આવતા પોલીસે રાજન સુરશેભાઇ વાઘેલા, અંકિત પ્રવિણભાઇ જાબુચા, યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલને વિદેશી દારૂ, કાર મળી રૂ.૨,૬૭,૮૫૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ છૂટક વેચાણ માટે દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.