Gujarat

રાજકોટમાં સીસીટીવી કેમેરાના યુનીટમાંથી 45 બેટરી ચોરી કરનાર 3 શખ્સ ઝબ્બે

By GS TEAM
21 Jun 20252 mins read
રાજકોટમાં સીસીટીવી કેમેરાના યુનીટમાંથી 45 બેટરી ચોરી કરનાર 3 શખ્સ ઝબ્બે

મહાપાલીકાના તાબા હેઠળ આવતા યુનીટોમાં ચોરી થઈ હતી

રાત્રે રિક્ષામાં નિકળી અલગ-અલગ 15 જેટલા સ્થળોએ સીસીટીવી યુનીટનું તાળું તોડી ચોરી કરતા હતા

રાજકોટ: રાજકોટમાં મહાપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનીટમાંથી બેટરીની ચોરી કરવાનો ભેદ ઝોન-રના નાસતા ફરતા સ્કોડે  ઉકેલી કિશોર સહિત ત્રણ શખ્સોને પકડી લઈ રિક્ષા, ર૯ બેટરીઓ અને કાર મળી કુલ રૂા.૧.૯પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પકડાયેલામાં કિશોર ઉપરાંત સુરેશ લાલુભાઈ ચારોલીયા (ઉ.વ.૩૪ રહે. મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ઝુંપડામાં) અને ધીરૂ જીલુભાઈ વાજેલીયા (ઉ.વ.૩૦, રહે. હુડકો ચોકડી પાસે, ઝુંપડામાં)નો સમાવેશ થાય છે.  બેટરી ચોરી અંગે મહાપાલીકાના નાનામવા સીસીટીવી કંટ્રોલ રૂમમાં પ્રોજેકટ મેનેજર મનીષભાઈ કોરાટ (ઉ.વ.૩૧, રહે. પુનીતનગર  ઓજસ વોરા એપાર્ટમેન્ટ)એ એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તસ્કરો જયુબેલી ચોકમાં સ્થિત ૧૩,પ૦૦ની કિંમતની ત્રણ બેટરી ચોરી ગયા હતા. 

આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમીયાન ઝોન-રની નાસતા ફરતા સ્કોડના સ્ટાફે બાતમીના આધારે શાસ્ત્રીમેદાનના ગેઈટ પાસેથી પકડી લીધા  હતા. પુછપરછમાં આરોપીઓએ એસ્ટ્રોન ચોક પાસે બે સ્થળે, એન.સી.સી. ચોક, રેસકોર્સ ટેનીસ કોર્ટ, જયુબેલી ચોક, સોરઠીયાવાડી ગાર્ડન, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાંતા સ્ત્રી વિકાસ પાસે, આંબેડકર કોલોની, મહિલા કોલેજ પાસે, નાના મવા સર્કલ પાસે, ડો. યાજ્ઞાીક રોડ, સદર બજાર ચોક અને જયુબેલી ચોકમાં મળી છેલ્લા ૧૭ દિવસમાં ૪પ બેટલરી ચોરી કર્યાની કેફિયત આપી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી સુરેશ અગાઉ પણ ચોરી સહિત બે ગુનામાં અને કિશોર ફોન ચોરી અને બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આરોપીઓ મોડી રાત્રે રિક્ષા લઈને નિકળી સીસીટીવી કેમેરાના આઉટ ડોર યુનીટનું તાળુ તોડી બેટરીઓ ચોરી કરતા હતા.