Gujarat

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ

By GS TEAM
23 Sep 20251 min read
વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ

વડોદરાઃ વડોદરા નજીક દુમાડ હાઇવે પર આજે નમતી બપોરે એક કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી અને ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે માંડમાંડ સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી હતી.

બે દિવસ પહેલાં જ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક દોડકા ગામ પાસે કોલસા ભરેલા કન્ટેનરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.આજે આવી જ રીતે તામિલનાડુથી કાપડના તાકા ભરેલું કન્ટેનર રાજકોટ જઇ રહ્યું હતું ત્યારે વડોદરા પાસે દુમાડ ચોકડી નજીક ધુમાડા નીકળતાં ડ્રાઇવર-ક્લિનર ઉતરી ગયા હતા.

થોડી જ વારમાં આગે કન્ટેનરને લપેટમાં લેતાં વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. જેને પગલે લગભગ ત્રણ કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો.બનાવના સ્થળે પહોંચતા ફાયર બ્રિગેડને પણ મુશ્કેલી પડી હતી.

ફાયર બ્રિગેડની ટીપી-૧૩ અને ઇમરન્સી રિસ્પોન્સ સેન્ટરની બે ટીમો પોલીસની મદદથી સ્થળ પર પહોંચી હતી અને આગ કાબૂમાં લીધી હતી.ત્યારબાદ કન્ટેનરને બાજુ પર ખસેડીને ટ્રાફિક ચાલુ કરાવ્યો હતો.