રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત

વડોદરા પાસે કરજણ હાઇવે પર મળસ્કે ગમખ્વાર અકસ્માત 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા : રાજકોટ- અમરેલીના પ્રવાસીઓ પણ મોતનો ભોગ બન્યા
કરજણ/ વડોદરા : કરજણ તાલુકાના નેશનલ હાઇવે 48 પર લાકોદરા ગામના પાટિયા પાસે આજે મળસ્કે શટડાઉન થયેલી લકઝરી બસની પાછળ પૂરઝડપે આવતી બીજી લકઝરી બસ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા સહિત 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં અને 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં લાકોદરા ગામના પાટિયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર રોડની બાજુમાં શ્રી સંત મિલન ટ્રાવેલ્સની લકઝરી બસ ખરાબ થઈ ગયેલ હાલતમાં ઊભી હતી. તે દરમિયાન ભરૂચ તરફથી બેફિકરાઈથી આવી રહેલી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પાછળથી શટડાઉન ઊભેલી બસમાં ધડાકાભેર અથાડતા અકસ્માત સર્જાયો હતો.
બસમાં કેબિનના આગળના ભાગે બેઠેલા મુસાફર ધર્મેશ બાબુભાઈ કાકડિયાને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમજ સ્લીપર સીટમાં બેઠેલ મહિલા સકીનાબેન અલીઅકબર પટેલ (રહે.દીવાનપરા, રાજકોટ)ને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં બંને મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે સકીનાબેનના એક વર્ષના પુત્ર હુસેનને માથા અને પગમાં ઇજા થતાં કરજણ સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે. બસમાં બેઠેલા 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. બનાવ અંગે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત અમરેલીના રહીશ બીમલભાઇ રમેશભાઇ જોષી (ઉ.વ. 60)નું બપોરે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
સાળાના ઘેર જતા બનેવીને મોત મળ્યું
કરજણ : બે ખાનગી લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મરનાર 34 વર્ષના ધર્મેશભાઈ કાકડિયા (રહે.સૂર્યદર્શન સોસાયટી,ં કામરેજ સુરત) સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં નોકરી કરતાં હતાં. ગઇ રાત્રે સાડા અગિયાર વાગે કામરેજથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસમાં બેસી રાજકોટ ખાતે મોટા સાળાના ઘરે જતા હતાં.