Get The App

રમતા-રમતા 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
રમતા-રમતા 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત 1 - image


ધ્રોલ નજીક વાંકિયા ગામે અરેરાટીભરી ઘટનાથી શોકનું મોજું  : છોટા ઉદેપુરના ખેતમજૂર પરિવારે ત્રણ વર્ષનો પુત્ર ગુમાવ્યો, તો મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની 2-3 વર્ષની વયની 2 સગી બહેનોનાં અકાળે મોતથી વજ્રઘાત

જામનગર, : ધ્રોલ તાલુકા નજીક આવેલા વાંકિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાવી દીધી છે. અહીં ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા બે શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યા છે. રમતા-રમતા અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે બે પરિવારો પર આભ ફાટી પડયું છે અને વાંકિયા ગામ સ્તબ્ધ થઈ ગયું છે.

પ્રાથમિક રીતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વાંકિયા ગામની સીમમાં બે ખેતમજૂર પરિવારના ત્રણ બાળકો, જેમાં વિશાલ કેશુભાઈ ભીલ (ઉં.વ. 3, રહેવાસી મૂળ છોટાઉદેપુર) તેમજ બે સગી બહેનો ટીનુ વિનુભાઈ ભંડારીયા (ઉ.વ.2 ) અને  શકીના વિનુભાઈ ભંડોરીયા (ઉં.વ. 4, રહે. મધ્ય પ્રદેશ)નો  સમાવેશ થાય છે. તેઓ ઘર નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન અસાવધાનીને કારણે અથવા રમત-રમતમાં તેઓ નજીકમાં આવેલા પાણી ભરેલા એક મોટા ખાડામાં પડી ગયા હતા. ખાડો ઊંડો હોવાથી અને બાળકોને તરતા આવડતું ન હોવાથી ત્રણેય માસૂમો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ત્રણેય બાળકોને બહાર કાઢીને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા વાંકિયા ગામના સરપંચ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, . જે પરિવારના આક્રંદ અને કરૂણ ચિત્કારોથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન અને ભારે બની ગયું હતું. પોલીસે ઘટના કઈ રીતે બની તે અંગે વધુ વિગતો મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags :