Gujarat
પેટલાદમાં 3, બોરસદ - તારાપુરમાં અઢી, આણંદમાં 2 ઇંચ વરસાદ
By GS TEAM
22 Jun 20251 min read

- આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
- પેટલાદ અને બોરસદના નિચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, હજુ ભારે વરસાદની આગાહી
આણંદ : આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં ૨૪ કલાકમાં દોઢથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડયો છે. જેના કારણે આણંદ, પેટલાદ, બોરસદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદી આગાહી કરી છે.
જિલ્લામાં શનિવારે વાદળછાયા વાતાવરણ બાદ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ બે ઇંચ વરસાદ પડયો છે. આણંદ જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ અનુસાર, તારાપુરમાં ૬૮, સોજીત્રામાં ૨૩, ઉમરેઠમાં ૧૨, આણંદમાં ૫૨, પેટલાદમાં ૮૦, ખંભાતમાં ૨૪, બોરસદમાં ૬૩ અને આંકલાવમાં ૩૫ મીમી વરસાદ પડયો છે. સોથી વધુ પેટલાદ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત આણંદ શહેર અને તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.








