Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

By GS TEAM
16 Jun 20251 min read
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

- શનિવારે મોડી સાંજે ભારે પવન, વીજળીના કડાકા સાથે

- સીઝનનો પ્રથમ સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખૂશીઃ અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ 1 થી 1.5 ઈંચ જેટલો વરસાદ પડયો : લખતર તાલુકામાં કલાકો સુધી વીજળી ડૂલ થતાં લોકો ત્રસ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પલટા બાદ લાંબા સમયના વિરામ પછી વરસાદનું આગમન થયું હતું જેમાં શનિવારે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લખતર તાલુકામાં કલાકો સુધી વીજળી ડૂલ થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી હતી અને શનિવારે મોડીસાંજથી બીજે દિવસે સવાર સુધી જીલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં રવિવારે સવારના ૬-૦૦ વાગ્યા સુધીમાં ધ્રાંગધ્રા-૧૯ મીમી, દસાડા-૭૪ મીમી, લખતર-૪૬ મીમી, વઢવાણ-૨૬ મીમી, મુળી-૪૦ મીમી, ચોટીલા-૩૬ મીમી, સાયલા-૨૬ મીમી, ચુડા-૦૫ મીમી, લીંબડી-૨૯ મીમી અને થાન-૫૫ મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ દસાડા તાલુકામાં અંદાજે ૩ ઈંચ અને થાન તાલુકામાં અંદાજે ૨.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જીલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થતાં લોકોએ એકંદરે ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી હતી જ્યારે ખેડુતોએ કરેલ કપાસ સહિતના આગોતરા વાવેતરને વરસાદના કારણે જીવતદાન મળ્યું છે.