3 ઈંચ વરસાદે રાજકોટમાં 3 ફૂટ પાણી ભરાયા : લોકોમાં આક્રોશ
રિંગરોડ સહિતના મુખ્યમાર્ગો પર વોકળા વહ્યા : ટુ વ્હીલરથી માંડીને બસ સહિત અસંખ્ય વાહનો ફસાયાં : સ્કૂલોથી ઘરે જતા વિદ્યાર્થીઓ-મહિલાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ
રાજકોટ, : રાજકોટમાં આજે બપોરે 1થી સાંજે 5 દરમિયાન 3 ઈંચ વરસાદથી 20 લાખની વસ્તી ધરાવતા અને સ્માર્ટ સિટી ગણાવાતા આ મહાનગરમાં મનપાની ઘોર લાપરવાહી ખુલ્લી પડી હતી અને મુખ્યમાર્ગો પર પણ 3-4 ફૂટ પાણી ભરાતા અસહ્ય ત્રાસ સાથે લોકોમાં શાસકો સામે તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો.
જળનિકાલની ઘોર અવ્યવસ્થાના કારણે બપોરનો સમય શાળા-કોલેજથી છૂટવાનો સમય હોય અનેક વિદ્યાર્થીઓ અને બાળકોને લઈને જતી મહિલાઓના તેમજ સ્કૂલ રિક્ષા અને અસંખ્ય ટુ વ્હીલર સહિત વાહનો કાલાવડ રોડ,રીંગરોડ,રૈયારોડ સહિત મુખ્યમાર્ગો પર પાણીમાં ફસાાતા લોકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હતી અને તેમને સુરક્ષિત ધમમસતા પ્રવાહમાં બહાર કાઢવા મનપાના કોઈ સત્તાધીશો ફરક્યા ન્હોતા. સરદારનગરનું નાલુ પાણીમાં ડુબ્યું હતું તો પોપટપરા નાલામાં એક બસ પાણીમાં અટકી ગઈ હતી અને લોકો દોરડાની મદદથી બહાર નીકળતા નજરે પડતા હતા. અંતરિયાળ વિસ્તારોમાં તો ઘરમાં પાણી ઘુસી ગયાના અહેવાલ છે જ્યારે ટાગોરરોડ, યાજ્ઞિાકરોડ જેવા મુખ્યમાર્ગો પર ટુ વ્હીલર,થ્રી વ્હીલરના એન્જીન સુધી પાણી પહોંચી જતા બંધ પડયા હતા. સાંજે વરસાદ ધીમો પડયો ત્યારે અસહ્ય ટ્રાફિકજામ સર્જાયો હતો.
મૌસમ વિભાગ અનુસાર આજે બપોરે 1થી 2.30સુધીમાં દોઢ ઈંચ,બાદ વધુ દોઢ સહિત સાંજે 5.30 સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, અતિ ભારે વરસાદ નહીં હોવા છતાં પણ શહેરના માર્ગો પર વોકળા વહેતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. આજે ભેજનું પ્રમાણ બપોરથી મોડી સાંજ સુધી 100 ટકા પહોંચ્યું હતું અને દિવસ આખો તાપમાન ૨૬ સે.રહેતા ઠંડક પ્રસરી હતી.