સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, કાર પલટી ખાઈ જતાં પાણીમાં ખાબકી, 3ના કરુણ મોત
Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર આજે (પહેલી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, સરા-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી પલટી મારીને પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ
બબુબેન જેજરિયા (ઉં.વ. 50)
ભાનુબેન જેજરિયા (ઉં.વ. 35)
ચોપાભાઈ જેજેરિયા (ઉં.વ. 45)
આ ત્રણેય મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી દાધોડિયા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.