VIDEO | અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 4ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકનું સોલા હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયામળતી માહિતી અનુસાર, કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કાર માર્ગ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી અને સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાંથી એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા હતા અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતની જાણ થતા જ ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી હજુ પણ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
સગાઈનો પ્રસંગ માતમના ફેરવાયો
મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- પ્રેમ ચંદ્રેશભાઈ ચુનારા (ઉં.વ.25, રહે.બારેજા, તા.દસક્રોઈ)
- સાગરભાઈ વિજયભાઈ સોલંકી (ઉં.વ.18, રહે.બારેજા, તા.દસક્રોઈ)
- દેવાંગ ધર્મેશભાઈ સોલંકી (ઉં.વ.25, રહે.ચાંદલોડિયા, અમદાવાદ)
- નરેન્દ્રભાઈ વિજયભાઈ સોલંકી. (ઉં.વ.17, રહે.બારેજા, તા.દસક્રોઈ - સોલા સિવિલ રીફર કરાયા બાદ સારવાર દરમિયાન મોત)
ઈજાગ્રસ્તનું નામ
- મિતુલભાઈ ચુનારા (ઉં.વ.20, રહે.બારેજા, તા.દસક્રોઈ - ધોળકા સીએચસી ખાતે સારવાર હેઠળ)








