- આરોપીને ખંભાત કોર્ટમાં રજૂ કરાયો હતો
- ગુનામાં અન્યની સંડોવણી છે કે કેમ, તેવી બાબતોની તપાસને લઈને પોલીસે રિમાન્ડની માગણી કરી હતી
આણંદ : ખંભાત તાલુકાના વત્રા ગામમાં ૨૬ ડિસેમ્બરના રોજ થયેલી એક પરિણીતાની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસે ખંભાતની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખંભાત તાલુકાના વત્રા ગામે આવેલા એક ખેતરના ઢાળિયા નજીકથી ગત તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (ઉં. વ.૩૮)ની લાશ મળી આવી હતી. જે મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી આણંદ એલસીબી પોલીસે હત્યા કરનાર સુનિલકુમાર રણજીતસિંહ પરમારને ઝડપી પાડયો હતો. જે બાદ આરોપીની પૂછપરછમાં સુનિલ કુમારના પિતા રણજીતસિંહને મૃતક સારિકાબેન સાથે છેલ્લા ૧૫ વર્ષથી પ્રેમસંબંધ હતો, જેના કારણે સુનિલના ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા અને પિતા દ્વારા માતાને મારઝુડ કરવામાં આવતી હતી, ઘર કંકાસથીે કંટાળી ગયેલા સુનિલે ગત તારીખ ૨૬મી રાત્રિના સુમારે સારિકાબેન ખેતરમાં તેના પિતાને મળવા જતી હતી ત્યારે અંધારાનો લાભ લઇ માથાના ભાગે લાકડાનો ડંડો ફટકારી તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુનિલ કુમાર રણજીતસિંહ પરમારની ધરપકડ કરી હતી. આજે પોલીસ દ્વારા સુનિલકુમારને ખંભાત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તથા અન્ય હથિયારોનો ઉપયોગ થયો છે કે કેમ તેવી બાબતોની તપાસને લઈ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


