વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત
- કરમસદ- આણંદ મનપાની બેદરકારીના કારણે
- 150 ની ક્ષમતા સામે 200 થી વધુ પશુ પુરાયા : કિચડ- ગંદકી, ઘાસચારો- પાણીની સમસ્યા
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓના વધી રહેલા ત્રાસને કારણે મહાનગરપાલિકાએ અમદાવાદની કંપનીને રૂપિયા ૨,૫૦૦માં એક ગાય પકડવાના કોન્ટ્રાક્ટ આપેલા છે. જે સંદર્ભે કોન્ટ્રાક્ટરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પકડાયેલી ગાયોને કરમસદ અને વિદ્યાનગર ઢોર ડબામાં પૂરવામાં આવે છે.
હાલ વિદ્યાનગર ઢોર ડબામાં ૧૫૦ અને કરમસદ ઢોર ડબામાં ૪૦ જેટલી ગાયો પુરવાની ક્ષમતા હોય છે પરંતુ, થોડા દિવસ પહેલા ૨૦૦થી વધુ ગાયો વિદ્યાનગર ઢોર ડબામાં પુરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જગ્યા સાંકડી થતા પશુઓને ફરવા, બેસવાની જગ્યા ન મળતા અને વરસાદને કારણે કિચડની સ્થિતિ સર્જાતા ત્રણ ગાયોના મૃત્યુ પણ થયા હતા. વધુ ગાયો પુરાવાથી ઘાસચારાની અને પાણીની સમસ્યાઓ પણ સર્જાઈ હતી.
ઢોર ડબાની ઘટનાને કારણે આણંદ શહેરના જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાવા સાથે મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, વિદ્યાનગર ઢોર ડબામાંથી ૪૦ જેટલી ગાયોને કરમસદ ઢોર ડબામાં સલામત રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યાં પથ્થર, બ્લોક નાખેલા હોવાથી કિચડ ઓછો થાય તેમ છે.
૨૦૦ કિલો ઘાસચારાને બદલે હવે રોજના ૩૦૦ કિલો ઘાસચારો પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. મેડિકલ ટીમને ગાયોની શારીરિક તપાસ માટે મૂકી દેવામાં આવી છે. સફાઈ- પાણીની સુવિધાનું પણ આયોજન કરાયું છે.