એક જ પરિવારનાં ૩ સંતાન હેન્ડબોલમાં નેશનલ મેડલિસ્ટ
વિંછીયા તાલુકાના મોઢુકા ગામનો રાષ્ટ્ર ફલક પર દબદબો 54મી હેન્ડબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની ટીમમાં મોઢુકાની ખેડૂતપુત્રી પણ સામેલ
રાજકોટ, વિંછીયા, : રમતગમત ક્ષેત્રે ગામડાનાં બાળકોને જો તક આપવામાં આવે તો તેઓ પણ રાષ્ટ્રકક્ષાએ નામ રોશન કરી શકે છે. તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી સીનીયર મહિલાઓની 54મી હેન્ડબોલ સ્પર્ધામાં રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામના વાડી વિસ્તારમાં રહેતી દીકરીએ સિલ્વર મેડલ મેળવી આ વાતને સાર્થક કરી બતાવી છે.
વિંછીયા તાલુકાના માત્ર 4000ની વસતી ધરાવતા મોઢુકા ગામના સીમ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ તાવિયા અને પ્રભાબેનનાં 5 દીકરી અને એક દીકરામાંથી બે દીકરી અને દીકરાએ નેશનલ લેવલે રમતગમતમાં સિલવર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ બાળકોને મોળીલા સીમશાળા તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પાંચ ધોરણ સુધી ભણેલા મનસુખભાઈએ ૧૦ વિઘા જમીનમાં ખેતી કરી પોતાના બાળકોને ભણાવવામાં ખૂબ મહેનત કરી છે. બાળકોને સતત પ્રોત્સાહન આપી એક દીકરી કિંજલે રાષ્ટ્રકક્ષાએ હેન્ડબોલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને દીકરો 11મા ધોરણમાં ભણે છે. તેણે પણ હેન્ડબોલમાં નેશનલ લેવલે મેડલ પ્રાપ્ત કર્યો છે. ધો. 12 કોમર્સમાં 79 ટકા સાથે ઉત્તીર્ણ થયેલી કિંજલે સુંદર રમત દાખવી ભુજમાં રમાયેલ 54મી હેન્ડબોલ સીનીયર મહિલા સ્પર્ધામાં સિલવર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં 27 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી ગુજરાતની ટીમ રનર્સ-અપ બની છે.
સીમશાળામાં ભણતા 15 વિદ્યાર્થીઓને ખંતીલા શિક્ષકે રાષ્ટ્રીય ફલક પર વિજેતા બનાવ્યાં
શહેરનાં બાળકો કરતા ગામડામાં રહેતા બાળકોની ખડતલતા જોઈ સીમશાળાના શિક્ષક હેમતભાઈ રાજપરાએ બાળકોનાં ભણતરને જરા પણ ખલેલ ન પડે તે રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં સ્થાન અપાવવા રીસેસના સમયમાં સ્પોર્ટ્સની તાલિમ આપવાની શરૂ કરી. નાના અમથા મોઢુકા ગામની મોળીલા સીમશાળામાં 40 ગામના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સની તાલિમ મેળવી છે, જેમાંથી 125 જેટલાં બાળકો રમતગમતમાં આગળ છે, 40 વિદ્યાર્થીઓ નેશનલ લેવલે રમ્યા છે. તેમાંથી 15 વિદ્યાર્થીઓને રાષ્ટ્રકક્ષાના મેડલ પણ પ્રાપ્ત થયા છે. રમવાથી બાળકોનું ભવિષ્ય સારું ન બને તે મહેણાંને ભાંગવા સીમશાળાના આ શિક્ષકે પોતાનાં બાળકોને પણ રમતગમતમાં આગળ વધાર્યા. તેમનો દીકરો 10 મીટર શૂટિંગમાં નેશનલ મેડાલિસ્ટ છે અને દીકરીએ એથ્લેટિક્સમાં રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ કહે છે કે રમતગમતથી બાળકોનો શારીરિક, માનસિક વિકાસ થાય છે.