સોશિયલ મીડિયામાં બેફામ વાણી-વિલાસ કરનાર યુટયુબર વિરૂધ્ધ 3 ગુના દાખલ
ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી પાટીદાર-ક્ષત્રિય સમાજના આગેવાનોને બદનામ કરતા વીડિયો નહીં બનાવવા સમજાવવા જતાં રૂ.૧૧ લાખ માંગ્યાની પણ પોલીસ ફરિયાદ
ગોંડલ, : ગોંડલનાં અમુક નેતાઓ અને આગેવાનો વિશે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને બેફામ વાણી-વિલાસ કરનાર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તાજેતરમાં જ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ એક વીડિયો વાયરલ કર્યો હતો. આ સાથે પાટીદાર-ક્ષત્રિય સમાજના આગેવાનો વિરૂધ્ધ પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેથી આવા વીડિયો નહીં બનાવવા સાડીના કારખાનેદાર અને આગેવાનો સમજાવટ કરવા જતાં રૂ. ૧૧ લાખની માંગણી કર્યાની સુલતાનપુર, ગોંડલ અને જેતપુર પોલીસમાં અલગ-અલગ ફરિયાદ નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેનીય છે કે, અગાઉ પણ બન્ની ગજેરા વિરુદ્ધ ઉપલેટા પોલીસમાં એટ્રોસિટી અને જેતપુર પોલીસમાં ઠગાઈનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
વિવાદિત પ્રકરણમાં ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ છગનભાઇ ઠુંમરે સુલતાનપુર પોલીસમાં અને ઉપપ્રમુખ વિશાલભાઈ ભીખાભાઈ ખુંટએ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૮ એપ્રિલના રોજ જેતપુરનાં મોટા ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરાએ તેના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે અશ્વિન ઠુંમર અને વિશાલ ખૂંટના ચારિત્ર્ય અંગે વાણી-વિલાસ કરીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યાનું જણાતા આજે તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જયારે જેતપુરનાં સાડીના કારખાનેદાર અતુલકુમાર વિનોદરાય માવાણીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજનાં બાળકો વચ્ચે તકરારની ઘટના બાદ સામાજિક આગેવાનોની બેઠક યોજીને સમાધાનકારી વલણ અપનાવાયું હોવા છતાં મોટા ગુંદાળા ગામનો ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વારંવાર વીડિયો વાયરલ કરીને બન્ને સમાજનાં આગેવાનોને બદનામ કરવાના ઇરાદે અભદ્ર ટીપ્પણીઓ કરી સામાજિક અશાંતિનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી તેને હવે આવા વીડિયો નહીં બનાવવા માટે સમજાવવા જતાં રૂ. 11 લાખની માંગણી કરીને બધાને બદનામ કરી નાખવાની ધમકી આપી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આમ, ત્રણ અલગ-અલગ ગુના દાખલ થતાં પોલીસે આરોપી ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની શોધખોળ શરૂ કરી છે.