Gujarat

લાલપુર નજીક સણોસરા ગામે પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડોના રોકાણ વચ્ચે 3 ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
જમીનના સર્વે નંબર અને કબજાની વિગતો બદલાવી કંપનીને 80થી 90 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર નજીક સણોસરા ગામે પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડોના રોકાણ વચ્ચે 3 ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ

Jamnagar Fraud Case : લાલપુર તાલુકાના સણોસરા ગામમાં પવનચક્કી સ્થાપનાના પ્રોજેક્ટ દરમિયાન જમીનના સર્વે નંબર અને કબજાની વિગતોમાં ગેરરીતિ કરી કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા પંથકમાં ચર્ચા જાગી છે.

ફરિયાદ મુજબ, માઉન્ટિંગ રિન્યુએબલ પાવર લિમિટેડ (વેલસ્પન ન્યૂ એનર્જી) કંપની દ્વારા સણોસરા ગામે પવનચક્કી સ્થાપવા માટે વર્ષ 2024માં જમીન માલિક સાથે 29 વર્ષ અને 6 મહિનાના ભાડા કરાર (લીઝ એગ્રીમેન્ટ) કરવામાં આવ્યા હતા. કંપનીએ જમીન ભાડે લેવા બદલ રૂ.4.15 લાખથી વધુની રકમ ચૂકવી હતી તેમજ નિયમો મુજબ ઉપરોક્ત વિસ્તાર હેઠળ આવતી આસપાસની જમીનોના માલિકોને પણ વળતર ચૂકવવામાં આવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ જમીનના દસ્તાવેજો, રેવન્યુ રેકોર્ડ અને સ્થળ ચકાસણીના આધારે પવનચક્કી માટે આયોજન કર્યું હતું. ત્યારબાદ માર્ચ-2015થી પવનચક્કીનું ફાઉન્ડેશન બનાવવાનું કામ શરૂ કરાયું હતું અને એપ્રિલ-2025 સુધીમાં અંદાજે રૂ.80થી 90 લાખના ખર્ચે ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યું હતું.

આક્ષેપ મુજબ ત્યારબાદ કેટલાક વ્યક્તિઓએ એકસંપ થઈ કંપની પાસેથી વધુ આર્થિક લાભ મેળવવાના ઇરાદે જમીનના વાસ્તવિક કબજા અને સર્વે નંબર અંગે વિવાદ ઉભો કર્યો હતો. વધુમાં, જમીનના સર્વે નંબર અરસપરસ બદલાવી અને અગાઉ કરાયેલા લીઝ એગ્રીમેન્ટ હોવા છતાં કંપનીના કામમાં અવરોધ ઊભો કરી કરોડોના પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદી વિનોદભાઈ બાબુલાલભાઈ રાઠોડ, જે કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમની અરજીના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર જમીન વ્યવહાર, લીઝ એગ્રીમેન્ટ, રેવન્યુ રેકોર્ડ અને પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે