Gujarat

દમણથી ટ્રકમાં જુનાગઢ લવાતા 14.59 લાખના વિદેશી દારૂ સાથે ૩ પકડાયા

By GS TEAM
1 Sep 20251 min read
દમણથી ટ્રકમાં જુનાગઢ લવાતા 14.59 લાખના વિદેશી દારૂ સાથે ૩ પકડાયા

સુરત પાસે ગણદેવી પોલીસે બાતમી આધારે ખારેલ હાઇવે પર વોચ ગોઠવી ટ્રકને આંતરી : 3ને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી, : ગણદેવી નજીક ને.હા.નં. 48 પર આવેલા ખારેલનાં ઓવરબ્રિજ પરથી મળેલી બાતમી આધારે પોલીસે રૂ. 14.59 લાખનો વિદેશી બનાવટનો દારૂ સાથે ત્રણને ઝડપી પાડયા હતા. રૂ. 5 લાખનો ટ્રક સહીત કુલ રૂ. 19.74 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દારૂનો જથ્થો દમણથી જુનાગઢ તરફ લાવવામાં આવતો હતો.

ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે દમણથી ટ્રમાં(નં. GJ-DU2959) માં દમણથી વિદેશી બનાવટનો દારૂ ભરેલો જથ્થો જુનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે. એવી ચોક્કસ બાતમી આધારે ગણદેવી નજીક ખારેલ હાઈ-વેનાં ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી 7692 નંગ વ્હીસ્કી, બિયરની બાટલી જેની કિંમત (રૂ. 14.59લાખ) મળી આવી હતી. પોલીસે રૂ.૫ લાખનો ટ્રક સહીત કુલ રૂ. 19.74 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક સહીત ત્રણ માનભાઈ હાજાભાઈ શિંગાડ, પરેશ મનુભાઈ શિંગાડ (બંન્ને રહે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં સામતેર) તથા પ્રવિણ ડાયાભાઈ બાંમણીયા (રહે.સામતેર)ની ધરપકડ કરી દારૂ મોકલાવનાર અને મંગાવનાર સહીત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ દારૂ દમણથી જુનાગઢ લાવવામાં આવતો હતો જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.