બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા

- નારી ચોકડી દસ નાળા પાસે સમાધાન માટે બોલાવ્યા હતા
- એક વર્ષ પહેલા થયેલી બોલા ચાલીની દાજ રાખી મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો
શહેરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા અશોકભાઈ ભુપતભાઈ મકવાણાના કુટુંબી મામાના દીકરા હાદક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયાને એક વર્ષ પહેલા દિનેશ રમણભાઈ ગોહેલ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી દિનેશ રમણભાઈ ગોહેલ, યોગેશ પોપટભાઈ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજયએ અગાઉથી પ્લાન બનાવી અશોકભાઈ અને હાદક ઉર્ફે ટિન્ચો તથા મિત્ર અબોટી સહિતના મિત્રોને દસનાળા સમાધાન માટે બોલાવ્યા હતા. મિત્રો નાળા પાસે બાઈક લઈને પહોંચ્યા ત્યારે ત્રણેયે જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળો આપતા સમાધાન માટે ગયેલા મિત્રો ડરી ગયા હતા. તમામ મિત્રો મોટર સાયકલમાં નારી ચોકડી તરફ ભાગવા જતા દિનેશે તેની કાર નં.જીજે-૦૪-ઇએ-૨૧૪૨ બાઈકની પાછળ ચલાવી હાર્દીકને મારી નાખવાના ઈરાદે તેના સાયકલ સાથે પાછળથી જોરદાર ટક્કર મારી હાર્દિકને પછાડી દેતા માથામાં ગંભીર જીવલેણ ઇજા કરી હતી. ગંભીર ઈજા પામેલ હાદક અશોકભાઈ કુકડીયા (ઉ.વ.૧૯) ને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવમાં વરતેજ પોલીસે દિનેશ રમણભાઈ ગોહિલ, યોગેશ પોપટભાઈ વેગડ અને સંજય વિઠ્ઠલભાઈ મકવાણાને ઝડપી લીધાં બાદ આજે ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.