અમદાવાદમાં ગુંડારાજ ઃ પાંચદિવસમાં ૩ હત્યા, ખાખીને પડકાર

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં અસામાજિક તત્વોને કાયદાનો ડર ના હોય તેમ ઉપરા છાપરી હત્યાના બનાવો બની રહ્યા છે. લૂખ્ખા તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા તેમ પાંચ દિવસમાં ત્રણ લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. પોલીસ વડાપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી લૂખ્ખા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. આજે સાંજે ઘોડાસર બ્રિજ નીચે શ્રમજીવી યુવકને છરીના ઘા મારીને સ્થળ ઉપર હત્યા કરીને આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ખૂનનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ વડાપ્રધાનના બંદોબસ્તમાં ઃ અમદાવાદીઓ રામ ભરોસેે, લૂખ્ખા તત્વોને મોકળું મેદાન મળ્યું
ઘોડારસ વિસ્તારમાં બ્રિજ નીચે અજાણ્યો શ્રમજીવી યુવક બેઠો હતો આ સમયે અજાણ્યા શખ્સે આવીને તેની સાથે તકરાર કરીને મારા મારી કરી હતી એટલું જ નહી આવેશમાં આવીને ૩૦ વર્ષના યુવકને પેટ અને ગળાના ભાગે છપરા છાપરી છરીને ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયો હતો. લોહીના ખાબોચિયામાં તરફડીયા મારીને શ્રમજીવી યુવક મોતને ભેટ્યો હતો.
આ બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની તથા મૃતક યુવકની ઓળખ પરખ કરવાની અને વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા ખોખરામાં સ્કૂલના વિદ્યાર્થીની અને મેઘાણીનગરમાં યુવકની હત્યા બાદ આજે ઘોડાસરમાં યુવકની પણ જાહેરમાં હત્યા કરવામાં આવી છે.









