જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ
રાજ્યની સરકારી હોસ્પિટલો પાસે વધારાની રહેલી એમ્બ્યુલન્સોને 108ને જનસેવા માટે ફાળવી આપવા સરકારે આદેશ કર્યો છે. જેના અનુસંધાને જામનગરની સરકારી હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવી દેવામાં આવી છે. તેમજ આગામી દિવસો માં હજુ વધુ બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવનાર છે.
અકસ્માત અથવા તો ઇમર્જન્સીના સમયે દર્દીઓ ને ઘરે થી હોસ્પિટલ લાવવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ હાલ માં લોકોને મળી રહ્યો છે. પરંતુ દર્દીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી 108 એમ્બ્યુલન્સ ની ઘટ પડી રહી છે. આથી 108 એમ્બ્યુલન્સની સેવા ને વધુ મજબૂત બનાવવા માટે હવે સરકારી હોસ્પિટલોમાં ડ્રાઇવરની અછતના કારણે અથવા તો વધુ એમ્બ્યુલન્સ હોય એના કારણે ફાજલ પડી રહેતી અથવા તો બિન ઉપયોગી રહેતી આવી એમ્બ્યુલન્સ 108ને સેવા માટે ફાળવણી કરી આપવા સરકારે સૂચના આપી હતી.
જેના અનુસંધાને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની કુલ પાંચ એમ્બ્યુલન્સની 108 માટે ફાળવણી કરવા ની થાય છે. તેમાંથી ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ સોંપી દેવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વધુ બે એમ્બ્યુલન્સની સોંપણી કરવામાં આવનાર છે.